Last Updated on by Sampurna Samachar
ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં કાર તળાવમાં ખાબકી
માતર-ત્રાજ રોડ પર અકસ્માતનો બનાવ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ખેડામાં માતર-ત્રાજ રોડ પર આવેલ ભીમકુઇના ગરનાળા નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં મુસાફરોથી ભરેલી કાર એક તળાવમાં ખાબકી હતી. માતર-ત્રાજ રોડ પરના વળાંક પાસે એક કૂતરું અચાનક વચ્ચે આવી જતાં એક્ટિવા ચાલક તેને બચાવવા ગયો હતો. તે જ સમયે પાછળથી આવી રહેલી એક કારે એક્ટિવાને ટક્કર મારી હતી.
ટક્કર વાગતા કારનું ટાયર ફાટી ગયું અને ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં કાર રોડની બાજુમાં આવેલા તળાવમાં ખાબકી હતી. કારમાં નાની ભાગોળ ગામના રસુલમિયા ભીખુમિયા મલેક અને રસુલમિયા અહેમદમીયા મલેકના પરિવારજનો સવાર હતા. સદનસીબે તળાવમાં કાર ખાબક્યા બાદ સ્થાનિક લોકોની મદદથી કારમાં સવાર બે નાની બાળકીઓ સહિત કુલ પાંચ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
અકસ્માતમાં પાંચ લોકોનો બચાવ
ઘટનાની જાણ થતાં જ ખેડા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને તળાવમાં ખાબકેલા બંને વાહનોને બહાર કાઢવાની કામગીરી પૂર્ણ કરી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બે વ્યક્તિઓને નડિયાદની મહાગુજરાત હોસ્પિટલમાં જ્યારે અન્ય બે વ્યક્તિઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોનો બચાવ થતાં પરિવારોએ રાહતનો શ્વાસ લીધો હતો.