Last Updated on by Sampurna Samachar
ST બસનું ટાયર ફરી વળતા BCAનાં વિદ્યાર્થીનું કરૂણ મોત
સિંગલ રોડ પર વોલ્વો બસની ઓવરટેકનો પ્રયાસ કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતમાં વસ્તાદેવડી રોડ પર હૈયું વલોવી દેતો અકસ્માત સર્જાયો હતો. મોપેડ ચાલક GSRTC ની વોલ્વો બસને ઓવરટેક કરી રહ્યો હતો તે દરમિયાન સામેથી બાઈક આવી જતાં યુવકનું મોપેડ લપસી ગયું હતું. અકાળે તે ત્યાંથી પસાર થતી GSRTCની વોલ્વો બસના ટાયરમાં આવી ગયો હતો. જેથી તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

પ્રાથમિક વિગતો મુજબ, ૨૦ વર્ષીય જશ બુંદેલા છાપરાભાઠા સ્થિત જે.ઝેડ. શાહ કોલેજમાં ભણતો હતો. આશરે ૪.૩૦ વાગ્યે તે કોલેજથી છૂટીને વસ્તાદેવડી રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન સિંગલ રોડ પર તેને GSRTCની વોલ્વો બસની ઓવરટેકનો પ્રયાસ કર્યો હતો. પણ સામેથી એક બાઈક આવતા તેને અચાનક બ્રેક મારી હતી જેથી મોપડ સ્લીપ થઈ ગયું હતું.
મૃતક યુવક જશ પરિવારનો એકના એક દીકરો હતો
આંખના પલકારે બનેલી આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જશનું મોપડ સ્લીપ થતાં તે નીચે પટકાયો હતો અને બાજુમાંથી પસાર થઈ રહેલી GSRTCની વોલ્વો બસનું પાછલું ટાયર તેના પર ફરી વળ્યું હતું. તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. લોહીલુહાણ હાલતમાં જોતાં જ રાહદારીઓએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
જહાંગીરાબાદ કેનાલ રોડ પર આવેલી ‘શ્રીકોન વિંગ્સ’માં રહેતા ગિરીશભાઈ બુંદેલા, જેઓ સિક્યોરિટી સુપરવાઇઝર તરીકે જવાબદારી નિભાવે છે, મૃતક યુવક જશ તેમનો એકના એક દીકરો હતો. અકસ્માત અંગે પોલીસને જાણ કરવામાં આવતા મહીધરપુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બસચાલકનો દેખતી રીતે કોઈ વાંક હતો કે કેમ તે અંગે પણ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આદરી છે. ૨૦ વર્ષની ઉંમરે જુવાનધોધ દીકરાનું અકસ્માતે મોત થતાં પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. કોલેજના મિત્રો અને સ્ટાફમાં પણ ઘેરા શોકની લાગણી છે.