Last Updated on by Sampurna Samachar
ફ્લાઈટના એન્જિનમાં અચાનક લાગી હોવાનો બનાવ
પાયલટે તુરંત ATC ને ‘મેડે’નો કોલ આપતા મુસાફરો બચી ગયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટની મોટી દુર્ઘટના ટળી છે. અમદાવાદ થી દીવ ટેકઓફ કરવાની તૈયારી કરી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં અચાનક આગ લાગી હતી. વાત કરીએ તો ફ્લાઈટમાં કુલ ૬૦ પ્રવાસીઓ હતા. આગની જાણ થતાં જ પાયલટે તુરંત ATC ને ‘મેડે’નો કોલ આપ્યો હતો અને તાત્કાલીક પ્લેનને ટેકઓફ કરતું અટકાવી દીધું હતું. ત્યારબાદ તમામ પ્રવાસીઓને સુરક્ષિત નીચે ઉતારી લઇ ફ્લાઈટ કેન્સલ કરી દેવાઈ હતી.

ઈન્ડિગોના પ્રવક્તાએ કહ્યું કે, ‘સવારે ૧૧.૦૦ કલાકે અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર ATR ૭૬ ટેકઓફ થવાની હતી. જોકે ફ્લાઈટમાં ટેકનીકલ ખામીની જાણ થતાં જ ફ્લાઈટ રદ કરી દેવાઈ છે.’ રિપોર્ટ મુજબ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) દ્વારા ફ્લાઈટને ક્લિયરન્સ પણ મળી ગયું હતું, ત્યારબાદ ફ્લાઈટે રન-વે પર રોલિંગ શરૂ કરી દીધું હતું. રોલિંગ બાદ પ્લેન ટેકઓફ થઈ જાય છે, જોકે આ દરમિયાન ફ્લાઈટના એન્જિનમાં આગ લાગી હતી. ત્યારબાદ પાયલટે તાત્કાલીક સમયસૂચકતા દાખવી ATC ને મેડે કોલ આપ્યો હતો અને ફ્લાઈટને અટકાવી દીધી હતી.
પાયલટના કારણે ફ્લાઈટના તમામ પ્રવાસીઓ સુરક્ષિત
મુસાફરોને ફ્લાઈટમાંથી સુરક્ષિત નીચે ઉતારાયા છે. ઈન્ડિગોના પ્રવક્તાએ કહ્યું કે, ‘પાયલટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું પાલન કરીને અધિકારીઓને માહિતી આપી છે અને પ્લેનને ફરી ‘બે’માં મોકલી દેવાયું છે. પ્લેનને ઓપરેશનમાં લાવ્યા પહેલા તમામ તપાસ અને મેન્ટેન્સ કરવામાં આવશે.
ઈન્ડિગો એરલાઈન્સે અસુવિધા બદલ મુસાફરોની માફી માંગી છે. એરલાઈન્સે મુસાફરોને તમામ સુવિધા પુરી પાડી અન્ય ફ્લાઈટ રવાના કર્યા છે અને ફુલ રિફંડની પણ ઓફર કરી છે. આ પહેલા ગોવાથી ઈન્દોર જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં પણ લેન્ડિંગ પહેલા ટેકનિકલ ખામી થઈ હતી, જોકે પાયલટે ફ્લાઈટને સુરક્ષિત લેન્ડ કર્યું હતું.