Last Updated on by Sampurna Samachar
અકસ્માતની ક્ષણોનો વિડીયો વાયરલ
ઓછામાં ઓછા ૧૯ લોકો ઈજાગ્રસ્ત તો ૨ લોકોના મોત
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના ન્યૂયોર્ક (New York) શહેરમાં એક મોટો અકસ્માત થયો હતો. હકીકતમાં મેક્સિકન નૌકાદળનું જહાજ ‘cuauhtemoc’ બ્રુકલિન જહાજ જ્યારે બ્રિજ નીચેથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે બ્રિજ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જહાજ પર સવાર ઓછામાં ઓછા ૧૯ લોકો ઈજાગ્રસ્ત થયા હતાં, જેમાંથી ૨ વ્યક્તિના મોત નિપજ્યા છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ એક વીડિયોમાં અકસ્માતની ઠીક પહેલાની ક્ષણ કેદ થઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, જહાજ બ્રિજની ખૂબ નજીક પહોંચી જાય છે અને બાદમાં તેનો ઉપરનો ભાગ બ્રિજ સાથે અથડાઈ જાય છે.
અકસ્માત થતાં હાજર લોકોમાં નાસભાગ
જહાજ અથડાયું ત્યારે જહાજના ઉપરના ભાગ પર સફેદ ડ્રેસમાં અનેક નાવિક હાજર હતાં, જે જહાજ અથડાતાની સાથે જ નીચે પડી ગયા હતાં. અમુક લોકોએ જહાજ સાથે બાંધેલા દોરડા પકડી બચવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળ પર હાજર લોકો પણ ડરીને નાસભાગ કરવા લાગે છે.
ન્યૂયોર્ક ફાયર વિભાગના જણાવ્યાનુસાર, દુર્ઘટનાની તુરંત બાદ રેસક્યુ ઓપરેશન શરૂ કરી દેવાયું હતું. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતાં. જોકે, હજુ સુધી ઈજાગ્રસ્તોની ઓળખ નથી થઈ શકી.
જણાવી દઈએ કે, ‘cuauhtemoc’ મેક્સિકન નૌકાદળનું એક પ્રતિષ્ઠિત તાલીમ જહાજ છે, જે વારંવાર આંતરરાષ્ટ્રીય બંદરોની મુલાકાત લે છે અને તેનો ઉપયોગ નૌકાદળના કેડેટ્સને તાલીમ આપવા માટે થાય છે. જહાજમાં કુલ ૨૭૭ લોકો સવાર હતા, જેમાં ખલાસીઓ, અધિકારીઓ અને કેડેટ્સનો સમાવેશ થાય છે.