આતંકને પોષતું પાકિસ્તાન હવે દુનિયાને શાંતિના પાઠ ભણાવશે ?
(સંપૂર્ણ સમાચાર સેવા)
આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ સ્થાપિત અને જાળવી રાખવાની મુખ્ય જવાબદારી નિભાવતાં યુનાઈટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલમાં અસ્થાયી સભ્ય તરીકે પાકિસ્તાનનો કાર્યકાળ શરૂ થઈ ચૂક્યો છે. પાકિસ્તાન આગામી બે વર્ષ સુધી આ પદ પર કાર્યરત રહેશે. આતંકનો ઉદ્દભવ તથા આતંકને પોષતું પાકિસ્તાન આ સભ્ય પદ સાથે વિશ્વને શાંતિના પાઠ ભણાવશે.
પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમે જણાવ્યું કે, તેમની ટીમ વિશ્વ સમક્ષ ઉપસ્થિત મુખ્ય પડકારોના સક્રિય અને રચનાત્મક તરીકે ઉકેલ લાવવા ભૂમિકા ભજવશે. સુરક્ષા પરિષદમાં અમારી ઉપસ્થિતિનો અનુભવ વિશ્વને થશે.
UNSC ની ૧૫ સભ્યોની રાઉન્ડ ટેબલ મીટિંગમાં પાકિસ્તાનની ૨૦૨૫-૨૬ ના કાર્યકાળ માટે પસંદગી કરવામાં આવી છે. આઠમી વખત પાકિસ્તાને આ મહત્ત્વનું સ્થાન મેળવ્યં છે. અગાઉ ૨૦૧૨-૧૩, ૨૦૦૩-૦૪, ૧૯૯૩-૯૪, ૧૯૮૩-૮૪, ૧૯૭૬-૭૭, ૧૯૬૮-૬૯ અને ૧૯૫૨-૫૩માં પાકિસ્તાને UNSC માં અસ્થાયી સભ્ય પદે સ્થાન લીધુ હતું. જૂન-૨૦૨૪ માં પાકિસ્તાનને ભારે મત સાથે આ પદ માટે નિમણૂક થઈ હતી. UN મહાસભાના ૧૯૩ સભ્યોમાંથી ૧૮૩ મત પાકિસ્તાનને મળ્યા હતા. પાકિસ્તાનના રાજદૂતે આ મહત્ત્વની તક મુદ્દે જણાવ્યું હતું કે, અમને એવા સમયે સ્થાન મળ્યું છે, જ્યારે વિશ્વ જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ, અશાંતિ, મોટા અર્થતંત્રો વચ્ચે હરીફાઈ, યુરોપ, મધ્યપૂર્વ અને આફ્રિકા જેવા ક્ષેત્રોમાં યુદ્ધની સ્થિતિ સહિતના પડકારોનો સામનો કરી રહ્યું છે. વસ્તીની દ્રષ્ટિએ પાંચમા સ્થાને પાકિસ્તાન આ વિવાદો, પડકારો ઉકેલવા પ્રયાસો કરશે. તેમજ આતંકવાદ જેવી સમસ્યાઓના સમાધાન માટે સક્રિય અને રચનાત્મક ભૂમિકા ભજવશે.
પાકિસ્તાન એશિયન દેશોની બેઠકમાં જાપાનનું સ્થાન લીધું છે. જાપાનનો કાર્યકાળ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ પૂર્ણ થયો છે. પાકિસ્તાનની સાથે ડેનમાર્ક, ગ્રીસ, પનામા, અને સોમાલિયા પણ જૂન, ૨૦૨૪ની મહાસભા ચૂંટણીમાં અસ્થાયી સભ્યો તરીકે ચૂંટાયા હતા. આ કાઉન્સિલમાં પાંચ સ્થાયી સભ્યો અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન, અને ફ્રાન્સ સામેલ છે.