ભારતીય ટીમ ૧૨ જાન્યુઆરીએ પાકિસ્તાન સામે પ્રથમ મેચ રમશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય દિવ્યાંગ ક્રિકેટ કાઉન્સિલ (DCCI )ના નેશનલ સિલેક્શન પેનલ (NSP )એ ૧૨ જાન્યુઆરી થી ૨૧ જાન્યુઆરી દરમિયાન શ્રીલંકામાં યોજાનારી આગામી ડિસેબલ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ૨૦૧૯ પછી આ પ્રથમ વખત છે જ્યારે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારતીય ટીમ ૧૨ જાન્યુઆરીએ પાકિસ્તાન સામે પોતાના પ્રથમ મેચ રમશે. ૧૭ સભ્યોની ભારતીય ટીમનું નેતૃત્વ વિક્રાંત રવિન્દ્ર કેની કરશે.
વિક્રાંત રવિન્દ્ર કેની આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતા જોવા મળશે. ટીમની પસંદગી જયપુરમાં રોહિત જાલાનીની અધ્યક્ષતામાં આયોજિત સઘન ટ્રેનિંગ કેમ્પ દરમિયાન કરવામાં આવી હતી. રોહિત જલાની વિકલાંગ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ પણ છે. આ કેમ્પ ખાસ ખેલાડીઓ માટે આયોજિત કરવામાં આવ્યો હતો, જેથી તેઓ પસંદગી પેનલ સમક્ષ પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરી શકે. વિચાર-વિમર્શ પછી પસંદગી પેનલે ટુર્નામેન્ટ માટે ૧૭-સભ્યોની ટીમ પસંદ કરી છે.
ટીમ વિશે વાત કરતા જાલાનીએ કહ્યું કે, ‘આ ખૂબ જ સંતુલિત ટીમ છે, જે કોઈપણ પ્રતિસ્પર્ધીનો સામનો કરવા માટે તૈયાર છે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં ઈતિહાસ રચવા જઈ રહી છે, આ સમય છે ટીમને ઉત્સાહિત કરવાનો અને સપોર્ટ કરવાનો તથા સંપૂર્ણ સમર્થન આપવાનો. હું દરેક ક્રિકેટ ફેન્સને સોશિયલ મીડિયા પર # dumhaiteammai હેશટેગનો ઉપયોગ કરીને અમારા ખેલાડીઓને ઉત્સાહિત કરવા વિનંતી કરું છું.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય વિકલાંગ ટીમ :
વિક્રાંત રવિન્દ્ર કેની (કેપ્ટન), રવિન્દ્ર ગોપીનાથ સાન્ટે (વાઈસ-કેપ્ટન), યોગેન્દર સિંહ (વિકેટકીપર), અખિલ રેડ્ડી, રાધિકા પ્રસાદ, દીપેન્દ્ર સિંહ (વિકેટકીપર), આકાશ અનિલ પાટીલ, સન્ની ગોયત, પવન કુમાર, જીતેન્દ્ર, નરેન્દ્ર, રાજેશ, નિખિલ મન્હાસ, આમિર હસન, માજિદ માગરે, કુણાલ દત્તાત્રેય ફનાસે અને સુરેન્દ્ર.
ભારતના મેચ શેડ્યૂલ
ભારત vs પાકિસ્તાન – ૧૨ જાન્યુઆરી ૨૦૨૫, બપોરે ૨ઃ૦૦ વાગ્યે
ભારત vs ઈંગ્લેન્ડ – ૧૩ જાન્યુઆરી ૨૦૨૫ સવારે ૯ઃ૦૦ વાગ્યે
ભારત vs શ્રીલંકા – ૧૫ જાન્યુઆરી ૨૦૨૫ બપોરે ૧ઃ૦૦ વાગ્યે
ભારત vs પાકિસ્તાન – ૧૬ જાન્યુઆરી ૨૦૨૫ બપોરે ૧ઃ૦૦ વાગ્યે
ભારત vs ઈંગ્લેન્ડ – ૧૮ જાન્યુઆરી ૨૦૨૫ સવારે ૯ઃ૦૦ વાગ્યે
ભારત vs શ્રીલંકા – ૧૯ જાન્યુઆરી ૨૦૨૫ બપોરે ૧ઃ૦૦ વાગ્યે
૨૧ જાન્યુઆરી – ફાઇનલ.