નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકોના ટોળા પર બેકાબુ કાર ચડાવી દીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સ કેનાલ અને બોર્બન સ્ટ્રીટ પર એક કાર લોકોની ભીડમાં ઘૂસી જતા ૧૨ લોકોના મોત થયા છે અને ૩૦થી વધુ ઘાયલ થયા છે. ન્યૂ ઓર્લિયન્સના અધિકારી નોલા રેડીએ લોકોને દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારથી દૂર રહેવાની અપીલ કરી છે. રિપોર્ટ અનુસાર ન્યૂ ઓર્લિયન્સના મેયર લાયોટા કન્ટ્રેલે નવા વર્ષના પહેલા દિવસે થયેલા હુમલા વિશે પ્રાથમિક માહિતી આપી છે, જેમાં ૧૨ લોકોના મોત થયા છે. કેન્ટ્રેલે કહ્યું કે, “અમે જાણીએ છીએ કે ન્યૂ ઓર્લિયન્સ શહેર આતંકવાદી હુમલાથી પ્રભાવિત થયું હતું.” તેઓએ કહ્યું કે, “ઘટનાને લઈને તપાસ ચાલી રહી છે.”
અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સ શહેરમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન એક દુઃખદ ઘટના ઘટી છે. અહીં પૂરપાટ ઝડપે કાર લોકોના ટોળામાં ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં ૧૨ લોકોના મોતની આશંકા છે. વિદેશી મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસે કારના ડ્રાઇવર પર ફાયરિંગ કર્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટના કેનાલ અને બોર્બન સ્ટ્રીટ ચોક પર ઘટી હતી. જ્યાં લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા. એક પિકઅપ વાન ટ્રક લોકોને ટોળાને કચડી ગયું હતું. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ઘટના પછી પોલીસે ડ્રાઇવર પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટના પછી નવા વર્ષની ઉજવણીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ ઘટનામાં ૩૦ લોકો ઘાયલ થયાની જાણકારી મળી છે.