વામપંથી અને દક્ષિણપંથી વિચારધારા ધરાવતા લોકો એકજૂટ બહાર આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી પહેલાં H-1B વિઝાનો વિરોધ અને સત્તા પર આવ્યા બાદ આ મામલે યુ-ટર્ન લેતાં અમેરિકામાં હોબાળો મચ્યો છે. H-1B વિઝાના કારણે વામપંથી અને દક્ષિણપંથી વિચારધારા ધરાવતા લોકો એકજૂટ થતાં જોવા મળ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પના H-1B વિઝા પર યુ-ટર્નને તેમના સૌથી મોટા સમર્થક અને ધનિક ઈલોન મસ્ક સહિત ઘણા પ્રભાવશાળી નેતાઓ H-1B વિઝાને સમર્થન આપી રહ્યા છે. તેઓ માને છે કે, H-1B વિઝા અમેરિકાના હિતમાં છે. કારણકે, તે અમેરિકાની કંપનીઓમાં યોગ્ય અને કૌશલ્ય ધરાવતા વિદેશી પ્રોફેશનલ્સની નિમણૂક કરવાની મંજૂરી આપે છે. જ્યારે બીજી બાજુ દક્ષિણ અને વામ પંથી લોકો આ વિઝાના કારણે અમેરિકાના નાગરિકોના રોજગાર છીનવાઈ રહ્યા હોવાનો દાવો કરતાં તેનો વિરોધ કર્યો છે.
અહેવાલો અનુસાર, અમેરિકાના વર્મોન્ટ સેનેટર બર્ની સેન્ડર્સ વામપંથી વિચારધારા ધરાવે છે. તેઓ સ્વ-ઘોષિત લોકશાહી સમાજવાદી નેતા પણ છે. તાજેતરમાં તેણે તેના X હેન્ડલ દ્વારા H-1B વિઝા મુદ્દે પોસ્ટ કરી હતી. જેમાં તેણે ઈલોન મસ્ક પર પણ નિશાન સાધ્યું હતું. બર્ની સેન્ડર્સે ઈલોન મસ્કના H-1B વિઝાના નિવેદનની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું કે, “ઈલોન મસ્ક ખોટા છે. H-1B વિઝા પ્રોગ્રામનું મુખ્ય કાર્ય શ્રેષ્ઠ અને તેજસ્વી લોકોને નોકરીએ રાખવાનું નથી પરંતુ સારા પગારવાળા અમેરિકન્સના સ્થાને વિદેશમાંથી ઓછા વેતનવાળા બોન્ડેડ લેબર લાવવાનું છે. તેઓ જેટલા સસ્તા કામદારો રાખે છે, તેટલો જ વધુ નફો અબજોપતિઓ કમાશે.
ટેસ્લાએ હજારો H-1B વિઝા કર્મચારીઓની નિમણૂકને મંજૂરી મળતાં અમેરિકાના ૭૫૦૦ થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢ્યા હતા. અમેરિકાના કર્મચારીના સ્થાને વિદેશી કર્મચારીઓની નિમણૂક ક્યારેય સસ્તી ન હોવી જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચૂંટણી અભિયાન ‘મેક અમેરિકા ગ્રેટ અગેન’ પર રાજકીય સૂત્રો અને રાજકીય આંદોલન ચલાવ્યા હતા.
દક્ષિણપંથી માનનારા પત્રકાર લોરા લૂમર પણ ટ્રમ્પના અભિયાનના સમર્થનમાં હતાં, પરંતુ સત્તા પર આવ્યા બાદ ટ્રમ્પે ઈમિગ્રેશન પોલિસી અંગે નરમ વલણ દર્શાવતાં લૂમરે આકરો વિરોધ કર્યો છે. લોરા લૂમરે ટ્રમ્પની સરકાર માટે એઆઈ સલાહકાર પદે શ્રીરામ કૃષ્ણનની નિમણૂકની ટીકા કરી હતી.
લોરા લૂમરે કૃષ્ણન પર અમેરિકાના કર્મચારીઓને કામ પર રાખવાના બદલે વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકામાં કામ કરવાની મંજૂરી આપવા ગ્રીન કાર્ડ પ્રતિબંધો દૂર કરવાનો પણ આરોપ મૂક્યો હતો. તદુપરાંત H-1B વિઝા મુદ્દે નરમ વલણનો વિરોધ કરતાં કહ્યું હતું કે, ‘અમે ટ્રમ્પને વિઝાનો વિરોધ કરવા માટે મત આપ્યા હતા.’