બસનું ટાયર ફાટતાં ટ્રક સાથે અથડાણ થતા સર્જાયો અકસ્માત
બસમાં લગભગ ૪૫ લોકો મુસાફરી કરી રહ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
બ્રાઝિલમાં દર્દનાક અને ભયાનક અકસ્માત થયો હતો. બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. અથડામણ થતાંની સાથે જ બસમાં આગ લાગી હતી, જેણે થોડી જ વારમાં આખી બસને લપેટમાં લીધી હતી. બસ સાથે કાર પણ અથડાઈ હતી. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા ૩૮ લોકો જીવતા ભૂંજાયા હતા. આગમાં દાઝી જવાથી તેમનાં મોત થયાં હતાં.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અકસ્માતનો ભોગ બનેલી બસમાં લગભગ ૪૫ લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી ૩૮નાં મોત થયા હતા અને મૃતકોમાં બસનો ડ્રાઈવર પણ સામેલ હતો. ૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને ૩ને સમયસર બસમાંથી સલામત રીતે ઉતારી લેવામાં આવ્યા છે. મિનાસ ગેરૈસ રાજ્યમાં ટીઓફિલો ઓટોની પાસે BR-૧૧૬ હાઈવે પર આ અકસ્માત થયો હતો. ઘાયલોને ટીઓફિલો ઓટોની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પોલીસે મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
મળતા રિપોર્ટ્સ અનુસાર બસ સાઓ પાઉલોથી રવાના થઈ હતી. આ દુર્ઘટના ભારતીય સમય અનુસાર શનિવારે સવારે લગભગ ૪ વાગ્યે બની હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે બસની સ્પીડ ખૂબ જ હતી. ટ્રક પણ તેની સ્પીડમાં હતી, પરંતુ અચાનક બસનું ટાયર ફાટતાં બસ રસ્તાની વચ્ચે આવી ગઈ હતી. બસ અને ટ્રક બંનેના ડ્રાઈવરો પોતાના વાહનો પર કાબુ રાખી શક્યા ન હતા. બંને એકબીજા સાથે અથડાઈ અને બસમાં વિકરાળ આગ લાગી ગઈ હતી.
આગમાં સળગી રહેલા મુસાફરોની ચીસોના અવાજાે આવવા લાગ્યા. બસ રોડ પર ઘસડાઈ રહી હતી ત્યારે એક કાર પણ બસ સાથે અથડાતાં તેનો પણ કચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત જાેઈને ત્યાંથી પસાર થતા લોકો પણ બૂમો પાડવા લાગ્યા હતા. પોલીસને બોલાવીને જાણ કરવામાં આવી હતી. લોકોએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું, પરંતુ આગની લપેટોમાં કોઈ લોકોને બચાવવાની હિંમત કરી શક્યું નહીં. માત્ર ૩ લોકોને જ સુરક્ષિત રીતે ઉતારી શકાયા હતા. બસમાં લાગેલી આગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ફોરેન્સિક તપાસ બાદ જ એ જાણી શકાશે કે વાસ્તવમાં અકસ્માતનું કારણ શું હતું? બ્રાઝિલના પરિવહન મંત્રાલયના રેકોર્ડ અનુસાર, વર્ષ ૨૦૨૪માં ૧૦,૦૦૦થી વધુ લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. સપ્ટેમ્બર ૨૦૨૪માં પણ બ્રાઝિલના ફૂટબોલ ખેલાડીઓથી ભરેલી બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ૩ લોકોનાં મોત થયાં છે.