જસપ્રીત બુમરાહ ટોસ માટે મેદાનમાં આવતા તેણે એવું કહ્યું કે માર્ક ટેલરને પસંદ આવ્યું નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
રોહિત શર્માના પ્લેઇંગ ઇલેવનથી બહાર થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં રોહિત રમવા ઉતર્યો નહીં અને રોહિતના બદલે ટોસ માટે જસપ્રીત બુમરાહ આવ્યો. બુમરાહે ટોસના સમયે કહ્યું કે રોહિતે પોતે જ આ ટેસ્ટથી બહાર થવાનો ર્નિણય લીધો છે. ભારતીય ફાસ્ટ બોલરે ક્યાંક ને ક્યાંક રોહિતનો બચાવ કર્યો અને કહ્યું કે તેને આરામ આપવામાં આવ્યો છે. બુમરાહનું આ નિવેદન ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન માર્ક ટેલરને પસંદ આવ્યું નહીં. ટેલરે કહ્યું કે સીધેસીધું બોલોને કે ખરાબ ફોર્મના કારણે રોહિતને ટીમમાંથી કાઢી મૂકાયો છે. ઓસ્ટ્રેલિયન દિગ્ગજે કહ્યું કે આરામની વાત કહીને મુદ્દાથી ભટકાવવામાં આવી રહ્યા છે જે યોગ્ય નથી.
માર્ક ટેલરે કહ્યું, ઇમાનદારીથી કહું તો આ મુદ્દા પરથી ભટકાવવા જેવું છે. અહીં હકીકતમાં એવું છે કે કોઈ પણ દેશનો કૅપ્ટન સીરિઝની અંતિમ ટેસ્ટ મેચ કે કોઈ સીરિઝની નિર્ણાયક મેચથી પોતાને બહાર રાખવાનો ર્નિણય કરતો નથી. તેને ડ્રોપ કરવામાં આવ્યો છે. મને ખબર પડતી નથી કે એવું કેમ કહેવામાં આવી રહ્યું નથી કે રોહિતને ટીમમાંથી કાઢી મૂકાયો છે.
જસપ્રીત બુમરાહે ટોસ જીતીને બેટિંગનો ર્નિણય લીધો જ્યારે કૅપ્ટન રોહિત શર્માએ મેચથી ‘પોતાને આરામ આપવાનો’ ર્નિણય લીધો. બુમરાહે કહ્યું, ‘અમારા કૅપ્ટને નેતૃત્વ ક્ષમતાનો પરિચય આપતાં આ મેચથી પોતાને આરામ આપ્યો છે. શુભમન ગિલને લાસ્ટ ઇલેવનમાં સ્થાન મળ્યું છે જ્યારે ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને સીરિઝમાં પહેલી વખત તક મળી છે. ગિલે ખરાબ ફોર્મમાં ચાલી રહેલા રોહિતનું સ્થાન લઈ લીધું છે જ્યારે કૃષ્ણાને ઈજાગ્રસ્ત આકાશ દીપના સ્થાને ઉતારવામાં આવ્યો છે.