Last Updated on by Sampurna Samachar
છેલ્લા દિવસથી પંજાબમાં સ્થિતિ ચિંતાજનક બની
ત્રણ લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
(સંપૂર્ણ સમાચાર સેવા)
સમગ્ર ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને છેલ્લા દિવસથી પંજાબમાં સ્થિતિ ચિંતાજનક છે. પંજાબની સતલજ, બિયાસ, રાવી અને ઘગ્ગર નદીઓ પૂરના નિશાનથી ઉપર વહી રહી છે. જેના કારણે પંજાબમાં હાહાકાર મચી ગયો છે. આના કારણે પંજાબના ૧ હજારથી વધુ ગામો પૂરથી પ્રભાવિત થયા છે. પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે.
આપત્તિ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા લોકો યુદ્ધના ધોરણે કાર્યરત છે. અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળોએ લઈ જવાના પ્રયાસો ચાલુ છે. આ કારણોસર ચીનમાં યોજાયેલી જીર્ઝ્રં બેઠકમાંથી પાછા ફર્યા પછી તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે વાત કરી હતી અને પૂરની સ્થિતિ વિશે માહિતી મેળવી હતી.
પૂરની પરિસ્થિતિમાંથી ટૂંક સમયમાં રાહત મળવાની આશા ઓછી
પંજાબના ૨૩ માંથી ૧૨ જિલ્લાઓ પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. પૂરને કારણે અત્યાર સુધીમાં ૩૦ લોકોના મોત થયાના અહેવાલ છે. આનાથી લગભગ ૧૫ લાખ લોકો પ્રભાવિત થયા છે અને અત્યાર સુધીમાં લગભગ ૩ લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. પૂરને કારણે પંજાબમાં ખેતીને પણ અસર થઈ છે. લગભગ ૩ લાખ એકર ખેતીલાયક જમીનને અસર થઈ છે. જેના કારણે ડાંગર, કપાસ અને મકાઈના પાક સંપૂર્ણપણે નાશ પામ્યા છે.
હવામાન વિભાગે પંજાબ માટે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. એટલે કે ભારે વરસાદની શક્યતા છે. તેથી જ આ પૂરની પરિસ્થિતિમાંથી ટૂંક સમયમાં રાહત મળવાની આશા ઓછી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પૂરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કર્યો હતો.
જ્યારે તેમને આ સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે કુદરત સામે તેઓ શું કરી શકે છે. એ સાચું છે કે જ્યારે કુદરત પોતાનું ઉગ્ર સ્વરૂપ બતાવે છે ત્યારે તેની સામે બધા પ્રયાસો નિષ્ફળ જાય છે. તો શું આનો અર્થ એ છે કે પંજાબના લોકોને પૂરની દયા પર છોડી દેવા જોઈએ ?
પંજાબ છેલ્લા ૬ વર્ષમાં ત્રીજી વખત પૂરની ઝપેટમાં છે. અગાઉ ૨૦૨૩ અને ૨૦૧૯માં પણ પંજાબ પૂરથી પ્રભાવિત થયું હતું. ૨૦૨૩ના પૂરમાં પંજાબના ૧૫૦૦થી વધુ ગામડાઓ પ્રભાવિત થયા હતા અને લગભગ ૨ લાખ ૨૧ હજાર હેક્ટર જમીન પર ઉભા પાકનો નાશ થયો હતો. તેવી જ રીતે ૨૦૧૯માં આવેલા પૂરમાં ૩૦૦થી વધુ ગામડાઓ પૂરથી પ્રભાવિત થયા હતા અને હજારો હેક્ટર જમીન પર પાકનો નાશ થયો હતો.