Last Updated on by Sampurna Samachar
કારકિર્દીની સૌથી વધુ રેટિંગ હાંસલ કરી
ICC T20 ઇન્ટરનેશનલ રેન્કિંગ જાહેર
(સંપૂર્ણ સમાચાર સેવા)
અભિષેક શર્મા હાલમાં T20 ક્રિકેટમાં ધૂમ મચાવી રહ્યો છે, તેણે એશિયા કપ ૨૦૨૫માં શાનદાર બેટિંગ કરી હતી. ICC T20 ઇન્ટરનેશનલ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે અને અભિષેક શર્માએ એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તે ઇંગ્લેન્ડના ડેવિડ મલાનને પાછળ છોડીને T20 ક્રિકેટમાં સૌથી વધુ રેટિંગ મેળવનાર બેટ્સમેન બન્યો છે.
અભિષેકે ૯૩૧ પોઇન્ટ નોંધાવ્યા છે, જે અત્યાર સુધીના સૌથી વધુ છે. ICC T20 માં ભારત માટે સૌથી વધુ રેટિંગ મેળવનાર બેટ્સમેનોની યાદીમાં તેણે વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવને પાછળ છોડી દીધા છે. ટીમ ઇન્ડિયા માટે ડેબ્યૂ કર્યા પછી અભિષેક શર્મા તબાહી મચાવી રહ્યો છે. તે T૨૦ ઇન્ટરનેશનલ રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન હતો. હવે તેણે તેની કારકિર્દીની સૌથી વધુ રેટિંગ હાંસલ કરી છે.
ટુર્નામેન્ટમાં કુલ ૩૨ ચોગ્ગા અને ૧૯ છગ્ગા ફટકાર્યા
તેણે એશિયા કપ દરમિયાન ૯૩૧ પોઇન્ટ હાંસલ કર્યા, જેનાથી ડેવિડ મલાનનો ૯૧૯નો રેકોર્ડ તૂટ્યો છે. શ્રીલંકા સામે સુપર ૪માં શાનદાર ઇનિંગ્સ બાદ તે ૯૩૧ પોઇન્ટ પર પહોંચી ગયો છે. એશિયા કપ ફાઇનલ પછી તે ૯૨૬ના રેટિંગ પર આવી ગયો, પરંતુ તે હજુ પણ મલાનથી ઘણો આગળ છે.
ICC T20I રેન્કિંગમાં સૌથી વધુ રેટિંગ
અભિષેક શર્મા ભારત – ૯૩૧
ડેવિડ મલાન ઇંગ્લેન્ડ – ૯૧૯
સૂર્યકુમાર યાદવ ભારત – ૯૧૨
વિરાટ કોહલી ભારત – ૯૦૯
એશિયા કપ ૨૦૨૫માં અભિષેક શર્માની સિઝન શાનદાર રહી. તેણે ટુર્નામેન્ટમાં સાત મેચ રમી અને ૩૧૪ રન બનાવ્યા. તેણે ૪૪.૮૬ની સરેરાશથી બેટિંગ કરી અને તેની સ્ટ્રાઇક રેટ ૨૦૦ હતી. તેણે ટુર્નામેન્ટમાં કુલ ૩૨ ચોગ્ગા અને ૧૯ છગ્ગા ફટકાર્યા. શર્માએ ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાને સતત સારી શરૂઆત અપાવી. જોકે ફાઇનલમાં અભિષેકના બેટે સારું પ્રદર્શન કર્યું નહોતું, ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને એશિયા કપ ૨૦૨૫નો ખિતાબ જીત્યો છે.