Last Updated on by Sampurna Samachar
બુમરાહ બાદ હવે બેટ્સમેન અભિષેક શર્માની તબિયત લથડી
ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર જીત સાથે કરી શરૂઆત
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાલમાં ક્રિકેટ જગતમાં વધુ એક ક્રિકેટરની તબિયત ખરાબ થયાના સમાચાર સામે આવ્યા છે. વાત કરીએ તો ખેલાડી અભિષેક શર્માની તબિયત બગડી છે. નોંધનીય છે કે જસપ્રીત બુમરાહને પણ બીમારીને કારણે પહેલી મેચ ગુમાવી પડી હતી. ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ ૨૦૨૬ ની શાનદાર શરૂઆત શાનદાર જીત સાથે કરી હતી.

પહેલી મેચમાં ટીમે યુનાઇટેડ સ્ટેટ્સને ૨૯ રનથી હરાવ્યું હતું. જોકે, સૂર્યકુમાર યાદવ સિવાય અન્ય કોઈ બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. અભિષેક શર્મા અને શિવમ દુબે બંને ગોલ્ડન ડક પર આઉટ થયા હતા. આ પછી અભિષેક ફિલ્ડિંગ માટે પણ આવ્યો ન હતો. સૂર્યકુમારે પાછળથી પુષ્ટિ કરી કે અભિષેક હજુ પણ સંપૂર્ણપણે સ્વસ્થ નથી.
જસપ્રીત બુમરાહની વાપસી થવાની અપેક્ષા
સૂર્યકુમારે કહ્યું કે અભિષેકની જેમ જ જસપ્રીત બુમરાહને હવામાનને કારણે ખૂબ તાવ આવ્યો હતો. જોકે, મોહમ્મદ સિરાજે પુષ્ટિ આપી કે અભિષેકને પેટમાં દુખાવો હતો. તેમણે આશા વ્યક્ત કરી કે તે નામિબિયા સામેની આગામી મેચ પહેલા સ્વસ્થ થઈ જશે. સિરાજે કહ્યું, “બધું બરાબર છે. તેને પેટમાં દુખાવો હતો અને તેથી જ તે ફિલ્ડિંગમાં આવ્યો ન હતો”
સૂર્યકુમાર યાદવે પણ પુષ્ટિ આપી કે વોશિંગ્ટન સુંદર દિલ્હીમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાશે. ભારતનો આગામી મુકાબલો દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં છે. આ મુકાબલો નામિબિયા સામે છે, જેમાં જસપ્રીત બુમરાહની વાપસી થવાની અપેક્ષા છે.
વાયરલ ફીવરને કારણે જસપ્રીત બુમરાહ પહેલી મેચ ચૂકી ગયો હતો, જેના કારણે મોહમ્મદ સિરાજને અર્શદીપ સિંહ સાથે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. ટુર્નામેન્ટ શરૂ થવાના ૨૪ કલાક પહેલા જ સિરાજને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તે હર્ષિત રાણાના સ્થાને આવ્યો હતો.
મોહમ્મદ સિરાજે યુએસએ સામે ભારત માટે સૌથી વધુ ૩ વિકેટ લીધી, પાવરપ્લેમાં ૨ વિકેટ સાથે સારી શરૂઆત આપી. જો બુમરાહ આગામી મેચમાં રમે છે, તો સિરાજને તેના સારા પ્રદર્શન છતાં બહાર બેસવું પડી શકે છે. તો બીજી તરફ જો અભિષેક શર્મા સ્વસ્થ નહીં થાય તો તેની જગ્યાએ સંજુ સેમસન ઓપનિંગ કરવા આવશે.