Last Updated on by Sampurna Samachar
૫૦ ટકાથી વધુ જિલ્લા પરિષદમાં આપનુ શાસન
સરકારે જાણીજોઈને તેમના ઉમેદવારોના ફોર્મ રદ કરાવ્યા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંજાબમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની લહેર જોવા મળી છે. કોંગ્રેસ, શિરોમણી અકાલી દળ અને ભાજપ રેસમાં ઘણા પાછળ રહી ગયા છે. જિલ્લા પરિષદ અને પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ૧ હજારનો આંકડો પાર કરી લીધો છે. ૫૦ ટકાથી વધુ જિલ્લા પરિષદમાં આમ આદમી પાર્ટીનું શાસન રહેશે.

જિલ્લા પરિષદમાં ૩૪૬ ઝોન છે, જેમાંથી ૨૨ માં તો આમ આદમી પાર્ટીનો નિર્વિરોધ વિજય થયો. બાકી ૩૨૪માંથી ૩૨૨ના પરિણામ જાહેર થયા છે. જેમાં ૨૦૧ પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. પંચાયત સમિતિની વાત કરીએ તો ૨૩૮૮ ઝૉન છે. જેમાંથી ૩૩૯માં આમ આદમી પાર્ટીનો પાર્ટીનો નિર્વિરોધ વિજય થયો. અત્યાર સુધીના પરિણામોમાં આપનો ૯૭૭ પંચાયત સમિતિમાં વિજય થયો છે.
ચૂંટણી પરિણામોના આંકડા
જિલ્લા પરિષદ
આમ આદમી પાર્ટી : ૨૦૧
કોંગ્રેસ : ૬૦
અકાલી દળ : ૩૯
ભાજપ : ૪
બીએસપી : ૩
અન્ય : ૧૦
પંચાયત સમિતિ
આમ આદમી પાર્ટી : ૯૭૭
કોંગ્રેસ : ૪૮૭
અકાલી દળ : ૨૯૦
ભાજપ : ૫૬
બીએસપી : ૨૬
અન્ય : ૧૧૨
આપ સંયોજક અરવિંદ કેજરીવાલનો પ્રતિસાદ
પાર્ટીની ભવ્ય જીત પર પ્રતિસાદ આપતા ‘આપ‘ સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ‘પંજાબના લોકોએ સરકારના કામ પર મહોર મારી છે. અમે કોઈ સરકારી મશીનરીનો દુરુપયોગ કર્યો નથી અને નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાઈ છે.
ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અને શિરોમણી અકાલી દળે સત્તાધારી પક્ષ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. વિપક્ષોનું કહેવું છે કે સરકારે જાણીજોઈને તેમના ઉમેદવારોના ફોર્મ રદ કરાવ્યા હતા અને મતદાનના દિવસે ખુલ્લેઆમ ધાંધલી કરવામાં આવી હતી. જોકે, ચૂંટણી પંચ અને સરકાર આ દાવાઓને નકારી રહ્યા છે.