Last Updated on by Sampurna Samachar
ગોપાલ ઈટાલિયાએ ભાજપના કિરીટ પટેલને આપી હાર
ગોપાલ ઈટાલિયા પોતાના આક્રમક વલણને લઇ રહે છે ચર્ચામાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની જીત થઈ છે. તેમની જીત ભાજપ માટે મોટો ફટકો અને ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ મચાવનારી માનવામાં આવી રહી છે. વિસાવદરમાં ગોપાલ ઈટાલિયા, ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરિયા વચ્ચે કાંટાની ટક્કર હતી.
મતગણતરીના ૨૧ રાઉન્ડ પછી ગોપાલ ઈટાલિયાએ ભાજપના કિરીટ પટેલને ૧૭,૫૫૪ મતથી પરાજ્ય આપ્યો છે. ઈટાલિયાને ૭૫,૯૪૨ મત મળ્યા હતા, જ્યારે કિરીટ પટેલને ૫૮,૩૮૮ મત મળ્યા હતા. કોંગ્રેસના નીતિન રાણપરિયાને ૫૫૦૧ મત સાથે ત્રીજા નંબરે રહ્યા હતા. જ્યારે કડી બેઠકની પેટાચૂંટણીમાં ફરી ભાજપની જીત થઈ છે. કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાનો ભવ્ય વિજય થયો છે. આમ, વિસાવદર અને કડી બંને બેઠકો પર કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા છે.
વિસાવદરથી ગુજરાતમાં પરિવર્તનની શરૂઆત થશે
જીત બાદ ગોપાલ ઈટાલિયાએ જનતાનો આભાર માનતા કહ્યું હતું કે, ધારાસભ્ય થવા બાદ કેટલાક નેતાઓ ગુમ થઈ જતા હોય છે, પરંતુ તેઓ રાત્રે ૧૨ વાગ્યે પણ ફોન પર હાજર રહેશે અને સદેહે પણ હાજર રહેશે. તેમણે જણાવ્યું હતું કે, વિસાવદરથી ગુજરાતમાં પરિવર્તનની શરૂઆત થશે.
ગોપાલ ઈટાલિયા તેમના આક્રમક વલણને લઈને હંમેશા ચર્ચામાં રહ્યા છે. તેમના નિવેદનો ઘણી વખત વિવાદ ઊભો કરી ચૂક્યા છે. તેઓ પાટીદાર અનામત આંદોલનના નેતા પણ હતા. ડિસેમ્બર ૨૦૨૦થી જાન્યુઆરી ૨૦૨૩ સુધી તેઓ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ક્ન્વીનર પણ રહી ચૂક્યા છે.
ઈટાલિયાના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ફેબ્રુઆરી ૨૦૨૧માં રાજ્યની સ્થાનિક ચૂંટણીઓમાં ઝંપલાવ્યું હતું અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૨૭ તેમજ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક બેઠક જીતી હતી. વર્ષ ૨૦૨૨માં તેમને ફરી આપના ગુજરાત પ્રમુખ બનાવાયા હતા.
ગોપાલ ઈટાલિયા ગુજરાત પોલીસમાં કોન્ટેબલ તરીકે નોકરી કરતા હતા. પરંતુ પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય થયા બાદ તેમણે નોકરી છોડી દીધી હતી. જુલાઈ ૨૦૨૦માં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
વર્ષ ૨૦૧૭માં ગોપાલ ઈટાલિયા જ્યારે રાજકારણમાં સક્રિયા નહોંતા ત્યારે તેમણે તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર કથિત ભ્રષ્ટાચારના આરોપ માટે જૂતું ફેંક્યું હતું, જેને લઈને ઘણો વિવાદ થયો હતો. તેમણે ચૂંટણી પંચમાં કરેલી એફિડેવિટ મુજબ, તેમના પર હાલમાં ૨૧ મામલામાં FIR થયેલી છે. જેમાં બદનક્ષી, ધાર્મિક લાગણી દુભાવવી, જાહેરનામોનો ભંગ, ફરજમા રુકાવટ, પોલીસ બંદોબસ્ત માટે ઉશ્કેરણી જેવા ઘણા આરોપો લગાવાયા છે.
કડીમાં ૨૧ રાઉન્ડના અંતે ભાજપના રાજેન્દ્ર ચાવડા ૩૯,૦૪૭ મતથી આગળ હતા. કડીમાં રાજેન્દ્ર ચાવડાએ એકલા જ ૬૩ ટકા મત ખેંચી ગયા છે. વર્ષ ૨૦૧૫ની શરૂઆતમાં સિટિંગ ધારાસભ્ય કરનસ સોલંકીનું નિધન થતા આ બેઠક ખાલી પડી હતી.