Last Updated on by Sampurna Samachar
શહેરની વિવિધ મુશ્કેલીઓને લઇ મનપામાં હોબાળો મચાવ્યો
મેયર ઓફિસની નેમ પ્લેટ તોડી દેવાતાં મામલો વધુ બિચક્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં ચોમાસા પહેલા પ્રિ-મોન્સુન કામગીરીના અભાવે શહેરીજનોને હાલાકી ભોગવવી પડતી હોય છે. ત્યારે વડોદરા શહેર ચોમાસાના પ્રારંભે જ ‘ખાડોદરા‘ બની ગયું હોવાનો આક્રોશ વ્યક્ત કરતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનની મેયર ઓફિસ ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી.
પાર્ટીના કાર્યકર્તાઓએ મુખ્ય રસ્તાઓ પર ઠેર-ઠેર પડેલા ખાડા, વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં થયેલો કથિત ભ્રષ્ટાચાર અને હોડી હોનારતના આરોપીઓને સજા ન મળવા જેવા મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આપના કાર્યકર્તાઓ મેયર ઓફિસ ખાતે આવેદનપત્ર સુપ્રત કરવા પહોંચ્યા હતા. જોકે, મેયરની ગેરહાજરી જોતા તેઓ ઉશ્કેરાયા હતા અને ઓફિસ બહાર જ ધમાલ મચાવી હતી. આ દરમિયાન, મેયરના નામની નેમપ્લેટ તોડીને ફેંકી દેવામાં આવતા મામલો વધુ બિચક્યો હતો.
વડોદરાના રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો
ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને હોબાળો કરી રહેલા કાર્યકર્તાઓને મેયર ઓફિસની બહાર નીકળી જવા સૂચના આપી હતી. ત્યારબાદ, કાર્યકર્તાઓ કોર્પોરેશનના પાર્કિંગમાં આવેલા એક વૃક્ષ નીચે બેસી ગયા હતા અને ધરણા શરૂ કર્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોર્પોરેશનનો મુખ્ય દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો.
ઉલ્લેનીય છે કે આપ કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો કે, ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં ભારે પૂર આવ્યું હોવા છતાં, તેના પરના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, જેના કારણે સમસ્યા યથાવત છે. આ ઉપરાંત, હોડી હોનારત જેવી ગંભીર ઘટનામાં પણ જવાબદારો સામે કોઈ કડક કાર્યવાહી થઈ નથી. આ તમામ મુદ્દાઓ પર વહીવટી તંત્રની નિષ્ફળતા સામે આપ દ્વારા પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાને પગલે વડોદરાના રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે.