Last Updated on by Sampurna Samachar
આપ પાર્ટીએ વીજળી કાપને લઇ મુખ્યમંત્રી રેખાને ઘેરી લીધી
ભૂતપૂર્વ CM આતિશીએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીમાં વિપક્ષમાં રહેલી આમ આદમી પાર્ટી, વીજળી કાપને લઈને રેખા સરકારને સતત ઘેરી રહી છે. દરમિયાન આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો કાશ્મીરી ગેટ, ITO , બુરારી એસેમ્બલી, કાલકાજી સહિત દિલ્હી (DILHI) ના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ કારણે આમ આદમી પાર્ટીએ ઘણી જગ્યાએ બેનરો લગાવ્યા હતા. બેનર પર લખ્યું છે કે “ભાજપ આવી ગઈ, વીજળી ગઈ”. દિલ્હીના કાશ્મીરી ગેટ પર આપ ધારાસભ્ય કુલદીપ કુમારે બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જોકે, પોલીસે ITO ખાતે વિરોધ કરી રહેલા આપ કાર્યકરોને હટાવ્યા અને બેનર પણ દૂર કર્યા છે. આમ આદમી પાર્ટી સતત વીજકાપ અંગે ભાજપને ઘેરી રહી છે અને ભૂતપૂર્વ CM આતિશી વીજકાપ અંગે સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ કરી રહી છે.
ઉર્જા મંત્રી વિધાનસભામાં ખોટુ બોલ્યાનો આરોપ
ભૂતપૂર્વ મુખ્યમંત્રી આતિશીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર દિલ્હીના ઉર્જા મંત્રી આશિષ સૂદ પર નિશાન સાધતા લખ્યું, ઉર્જા મંત્રીના પોતાના વિધાનસભા મતવિસ્તારમાં વીજળી કાપ ! ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઇન્સ્ટાગ્રામ પર વીજળી કાપ અંગેની ફરિયાદો સતત પોસ્ટ કરી રહ્યા છે.

પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ ૧ એપ્રિલના રોજ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો અને કહ્યું હતું કે, દિલ્હીના લોકો છેલ્લા ૪૦ દિવસથી સતત લાંબા વીજળી કાપથી પરેશાન છે, પરંતુ સમસ્યાનું નિરાકરણ લાવવાને બદલે, ઉર્જા મંત્રી વિધાનસભામાં ખોટું બોલીને પોતાની સરકારની નિષ્ફળતા છુપાવી રહ્યા છે. તેમણે ઉર્જા મંત્રીના ત્રણ જુઠ્ઠાણા પણ ગણાવ્યા હતા.
પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું, આશિષ સૂદનું પહેલું જૂઠ – કેજરીવાલ સરકાર દરમિયાન દિલ્હીમાં ૨૪ કલાક વીજળી નહોતી. સત્ય: કેન્દ્ર સરકારે ૩ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ રાજ્યસભામાં રજૂ કરેલા આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે દિલ્હીમાં ૨૪ કલાક વીજળી મળતી હતી. બીજું જૂઠાણું- દિલ્હીમાં વીજકાપ ભાજપ સરકારની નિષ્ફળતા નથી પરંતુ સુનિશ્ચિત વીજકાપ છે. ત્રીજું જૂઠાણું એ છે કે તમે કાર્યકરો અને બોટ્સ ખોટા પાવર કટ વિશે ટ્વિટ કરી રહ્યા છો. સત્ય: ભાજપના સમર્થકો પોતે જ વીજળી કાપની ફરિયાદ કરી રહ્યા છે !