Last Updated on by Sampurna Samachar
મનપાની ચૂંટણીમાં આપ પુરી તાકાતથી ઝંપલાવશે
ગોપાલ ઈટાલિયાએ રણશિંગું ફૂંક્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાની રાજકીય પકડ મજબૂત કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે, અને હવે આગામી મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ આપ પૂરી તાકાતથી મેદાનમાં ઉતરવાની છે. આપના નેતા ગોપાલ ઇટાલિયાએ મહેસાણા ખાતે આ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે પાર્ટી આ ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર કરશે અને પ્રયાસ કરશે કે મહેસાણાનો મેયર આપનો બને.
ગોપાલ ઇટાલિયાએ મનપાના વિસ્તારોમાં સુવિધાના અભાવ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, “જ્યાં જ્યાં મનપા બની છે, ત્યાં આજે પણ સુવિધાઓ મળતી નથી. તો હવે જે વિસ્તારો વધ્યા છે, ત્યાં ક્યાંથી સુવિધા મળશે?” તેમણે ઉમેર્યું કે મહેસાણા મનપાનો વેરો વધી ગયો છે, છતાં સુવિધાઓ ક્યારે મળશે તે ભગવાન જાણે. આ મુદ્દાને આપ ચૂંટણીમાં મુખ્ય એજન્ડા બનાવશે અને લોકોને પાયાની સુવિધાઓ આપવા માટે પ્રતિબદ્ધતા દર્શાવશે.
આ મુદ્દા પર મનોમંથન થવું અત્યંત જરૂરી
ગુજરાતમાં પ્રેમ લગ્નના કાયદાને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે, મહેસાણામાં ૩૦ ઓગસ્ટના રોજ આ મુદ્દે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહારેલી અંગે પણ ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે પ્રેમ લગ્નના મુદ્દાને લગતો પ્રશ્ન દેશ અને ગુજરાતમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે, અને આ મુદ્દા પર મનોમંથન થવું અત્યંત જરૂરી છે.
ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, “મેં પોતે પણ આ મુદ્દે વિધાનસભામાં મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સમાજમાં દીકરીઓને લઈને જે ઘટનાઓ બની રહી છે, તેના પર સરકારે ચિંતન કરવું જોઈએ અને યોગ્ય કાયદાકીય સુધારા લાવવા જોઈએ. આ મહારેલીનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારનું ધ્યાન આ ગંભીર સમસ્યા તરફ દોરવાનો છે.