Last Updated on by Sampurna Samachar
ટૂંક સમયમાં મોટો બોમ્બ ફોડીશ! , ચૈતર વસાવાએ કહ્યું
છોટા ઉદેપુરના ક્વાંટ સભામાં મેદાન ગજવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે આમ આદમી પાર્ટીની જંગી સભાને સંબોધતા ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકાર અને આદિજાતિ મંત્રીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. જમીન સંપાદનથી લઈને નેતાઓની અઢળક સંપત્તિ મુદ્દે ચૈતર વસાવાએ ગંભીર આક્ષેપો કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર આદિવાસીઓની જમીન છીનવી લેવા માટે તખ્તો તૈયાર કરી રહી છે.

આંબાડુંગર પ્રોજેક્ટ: GMDC ના પ્રોજેક્ટ હેઠળ ૨૮ જેટલા ગામોની જમીન સંપાદિત કરવાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
ભાજપના નેતાઓ પ્રજાને ગેરમાર્ગે દોરે છે
હાઈડ્રો પ્રોજેક્ટ: નસવાડી તાલુકામાં NDPC સાથે ૧૮ ગામોની જમીન માટે MOU કરવામાં આવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે જ્યારે નોટિફિકેશન અને જાહેરનામા કાગળ પર સ્પષ્ટ છે, ત્યારે ભાજપના સાંસદ અને ધારાસભ્યો પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
માજી આદિજાતિ અને વન મંત્રી પર આક્રમક પ્રહાર કરતા વસાવાએ કહ્યું કે, “જે નેતાઓ પહેલા બાઈક પર ફરતા હતા, તેઓ આજે ફોર વ્હીલરમાં ફરે છે. સાપુતારામાં હોટલો, મુંબઈમાં રિસોર્ટ અને કોસંબામાં જ્વેલર્સના ધંધામાં નાણાં રોક્યા છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “આ તો માત્ર ટ્રેલર છે, હજુ મોટો બોમ્બ ફોડવાનો બાકી છે.”
ડેટા ચોરીનો જવાબ: મહેશ વસાવા દ્વારા કરવામાં આવેલા ડેટા ચોરીના આક્ષેપ પર પલટવાર કરતા ચૈતર વસાવાએ કહ્યું કે, મહેશ વસાવા ચૂંટણી લડ્યા ત્યારે તેમને NOTA કરતાં પણ ઓછા વોટ મળ્યા હતા. જો મેં ચોરી કરી હોય તો પોલીસ ફરિયાદ કેમ નથી કરતા?
ભાજપ-કોંગ્રેસ ગઠબંધન: સુખરામ રાઠવા પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસ અંદરોઅંદર વેવાઈ છે. આ “બી ટીમ” ના નારા લગાવનારાઓ વાસ્તવમાં પાંચ-પાંચ વર્ષના વહેંચાયેલા શાસનમાં એકબીજાની મદદ કરી રહ્યા છે