Last Updated on by Sampurna Samachar
અરોરાના ઘર-ઓફિસે દરોડા પણ પાડ્યા
અરોરાએ કેટલાક લોકોને બોગસ નોટિસ મોકલી ખંડણી વસૂલી હોવાનો આરોપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંજાબની ભગવંત માન સરકારે ભ્રષ્ટાચારનો પર્દાફાશ થતાં પોતાના જ ધારાસભ્ય વિરૂદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રમન અરોરા વિરૂદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદો મળતાં પંજાબ વિજિલન્સ બ્યૂરોએ અરોરાની ધરપકડ કરી હતી. તેમજ અરોરાના ઘર-ઓફિસે દરોડા પણ પાડ્યા હતાં.
મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર સુખદેવ વશિષ્ઠના કૌભાંડ કેસમાં રમન અરોરાની સંડોવણી હોવાનો આરોપ મૂકાયો છે. અરોરાએ વશિષ્ઠની મદદથી અમુક લોકોને બોગસ નોટિસ મોકલી ખંડણી વસૂલી હોવાનો આરોપ છે. ધરપકડ પહેલાં વિજિલન્સ ટીમે દરોડા પાડ્યા હતાં.
થોડા દિવસ પહેલાં સિક્યોરીટી પાછી ખેંચાઇ હતી
ભ્રષ્ટાચારના આરોપસર રાજ્ય સરકારે જલંઘર સેન્ટ્રલમાંથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રમન અરોરાની તમામ સિક્યોરિટી નવ દિવસ પહેલાં જ પાછી ખેંચી લીધી હતી. સરકારના આ પગલાં પાછળનું કારણ તે સમયે જાહેર કરાયુ ન હતું. પરંતુ વહેલી સવારે અરોરાના ઘરે દરોડા અને ધરપકડથી ભ્રષ્ટાચારનો ખુલાસો થયો છે.
અરોરા પાસે રાજ્ય સરકારના અન્ય ધારાસભ્યો માટે તૈનાત ગનમેનની તુલનાએ ત્રણ ગણા વધુ ગનમેન હતાં. પરંતુ ૧૩ મેના રોજ તેમની સિક્યોરિટી પાછી ખેંચી લેવામાં આવી હતી. અરોરા પાસે લગભગ ૧૪ ગનમેન હતાં. સિક્યોરિટી પાછી ખેંચી લેવા મુદ્દે તે સમયે અરોરાએ જણાવ્યું હતું કે, ઉપરથી આદેશ છે. તેથી તેમણે તમામ ગનમેનને પાછા મોકલી દીધા છે.
તેમણે કોંગ્રેસ પર તેમની છબિ ખરાબ કરવાનો આરોપ મૂક્યો હતો. તેમજ કોંગ્રેસના ૩-૪ નેતાઓ વિરૂદ્ધ માનહાનિનો દાવો પણ કર્યો હતો. આ નેતાઓએ સિક્યોરિટી કવરેજ પાછું ખેંચવાના સરકારના ર્નિણય પર મીઠાઈઓ વેચી ઉજવણી કરી હોવાનો દાવો અરોરાએ કર્યો હતો.