Last Updated on by Sampurna Samachar
નિરંજન વસાવાના ભાઈ વીરભદ્ર સિંહ વસાવાની ધરપકડ
સાંસદ મનસુખ વસાવાએ કર્યા પ્રહાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીના ભારે ખળભળાટ મચી ગયો છે. જિલ્લા આપ પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ વીરભદ્ર સિંહ (ભદ્રેશ) વસાવાને નર્મદા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસને તેની પાસેથી દારૂની ૧૧ બોટલ મળી આવી છે. જોકે, આ મામલો બહાર આવતાં જ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપો કર્યો હતા.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નર્મદા જિલ્લા LCB એ રેડ કરીને આપ જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ વીરભદ્ર સિંહ વસાવાને દારૂ સાથે પકડી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ તે દારૂની હેરાફેરી કરતા ઝડપાયો હોવાનું બહાર આવ્યું છે.
વીરભદ્ર સિંહ વસાવાની ધરપકડ કરાઇ
આ ઘટના પર પ્રતિક્રિયા આપતા ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું અને ગંભીર આરોપ લગાવ્યા તેમણે દાવો કર્યો કે, માત્ર ૧૧ બોટલ મળી છે, પણ ૫ પેટી દારૂ હતો, જે સગેવગે કરી દેવામાં આવ્યો છે. એક બાજુ આપના લોકો દારૂનો ધંધો કરે છે અને ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસના માથે માછલાં ધોવે છે. આ એક પ્રકારનો સ્ટંટ છે. આપના ચાવવાના દાંત જુદા અને બતાવવાના જુદા છે.
સાંસદ મનસુખ વસાવાએ આપના અન્ય નેતાઓ પર પણ નિશાન સાધ્યું. તેમણે દાવો કર્યો કે, નિરંજન વસાવાએ હોદ્દાના લઈને સરકારી જમીનમાં ગેરકાયદે હોટેલ અને મકાન બનાવી દીધું છે, જે બે નંબરના ધંધા દ્વારા બનાવવામાં આવ્યું છે.
તેમણે આરોપ લગાવ્યો કે નિરંજન વસાવા લોકોને ડરાવી-ધમકાવીને પૈસા પડાવવાના ધંધા કરે છે. દેડીયાપાડા તાલુકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવા પર પણ અધિકારીઓને ધમકાવીને પૈસાની માંગણી કરતો ઓડિયો વાઈરલ થયો હોવાનો ઉલ્લેખ કર્યો. સાંસદના આ નિવેદનથી નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. સ્થાનિક પોલીસે હાલમાં વીરભદ્ર સિંહ વસાવાની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.