Last Updated on by Sampurna Samachar
લકઝરી પલટી જતા ૧૫ થી વધુ મુસાફરોને પહોચી ઈજા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર ૪૮ પર ST બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં લક્ઝરી બસ પલટી જતા ૧૬ થી વધુ મુસાફરોને નાની મોટી ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર ૪૮ પર ફરી એકવાર અકસ્માતનો બનાવ બન્યો હતો. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ આમલાખાડીના ઓવરબ્રિજ પર ખાનગી લક્ઝરી બસ અને સરકારી ST બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ખાનગી લક્ઝરી બસ પલટી ગઈ હતી તો ST બસ પણ માર્ગની બાજુમાં ઉતરી ગઈ હતી. ખાનગી બસ પલટી જતા બસમાં સવાર મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા. આસપાસના સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા અને મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા.બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતમાં ૧૬ જેટલા મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. બંને બસ સુરતથી અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતના પગલે નેશનલ હાઇવે નંબર ૪૮ પર ટ્રાફિકજામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું. ક્રેનની મદદથી પલટી મારી ગયેલી લકઝરી બસને ઉઠાવી સાઈડ પર કરવા સાથે વાહન વ્યવહાર ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે કોઈપણ જાનહાનિ નહિ નોંધાતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આ અકસ્માત અંગે પોલીસે જરુરી કાર્યવાહી હાથ ધરી છે.