Last Updated on by Sampurna Samachar
વટવા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી
લવ જેહાદની આ ઘટનાથી લોકોમાં રોષ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં એક વિધર્મી પરિણીત યુવક અને યુવતી વચ્ચે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ હતો. જેમાં વિધર્મી પ્રેમી પોતે પરિણીત હોવાના કારણે યુવતીને લગ્ન કરવાની ના પાડી હતી. જેનું લાગી આવતા પ્રેમિકાએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હતું. લવ જેહાદની આ ઘટનાથી સમગ્ર શહેરમાં હાહાકાર મચી જવા પામ્યો છે. આ સાથે લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં પ્રેમ અને વિશ્વાસઘાતની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. છેલ્લા બે વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી એક યુવતીએ તેના વિધર્મી પ્રેમીએ લગ્ન કરવાનો ઇન્કાર કરી દેતા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ મામલે વટવા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આરોપી વિરૂદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ
મૃતક યુવતી અને આરોપી મોહમદ આબીદ શેખ વચ્ચે છેલ્લા બે વર્ષથી પ્રેમસંબંધ હતો. બંને સાથે રહેતા હતા અને યુવતી તેને જ પોતાનું સર્વસ્વ માની બેઠી હતી. જોકે, જ્યારે યુવતીએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે આબીદ શેખે પોતાનું અસલી રૂપ બતાવ્યું હતું. પ્રેમી આબીદ પહેલેથી જ પરિણીત હોવાથી તેણે યુવતી સાથે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
પ્રેમીના દગાથી ભાંગી પડેલી યુવતીએ અંતિમ પગલું ભરતા પહેલા પોતાના હાથની નસો પર કાપા માર્યા હતા અને ત્યારબાદ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. યુવતીના પરિવારના આક્ષેપો અને પરિસ્થિતિને જાેતા પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો છે.
યુવતીના મૃત્યુ મામલે તેના પરિવારે આરોપી મોહમદ આબીદ શેખ વિરૂદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. વટવા પોલીસે આ મામલે આરોપી વિરૂદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે, અને આ પ્રેમસંબંધમાં અન્ય કોઈ એંગલ છે કે, કેમ તે દિશામાં પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.