Last Updated on by Sampurna Samachar
બજારમાં છુપી રીતે ચાઇનીઝ દોરીનો વેપાર ચાલુ
લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે યુવકને ખસેડાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દાદીવાડ ગામે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારણે એક કરુણ ઘટના સામે આવી હતી. ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા જ બજારમાં છૂપી રીતે ચાઈનીઝ દોરીનુ વેચાણ થઇ રહ્યું છે. ત્યારે દોરી લોકો માટે ઘાતક સાબિત થઇ જાય છે.

વાત કરીએ તો દાદીવાડ ગામનો એક યુવક જ્યારે પતંગ ચગાવી રહ્યો હતો, ત્યારે અચાનક ચાઈનીઝ દોરી તેના ચહેરા પર આવી જતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. ધારદાર દોરીના કારણે યુવકનો ચહેરો કપાઈ ગયો હતો અને તેને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવો પડ્યો હતો. ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ચાઈનીઝ દોરી વેચતા તત્વો સામે કાર્યવાહીની માંગ
સરકાર અને વહીવટી તંત્ર દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ અને વપરાશ પર સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં, બજારમાં તેનું વેચાણ બેરોકટોક ચાલુ હોવાથી કામગીરી પર સવાલો પેદા થાય છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે પોલીસની નબળી કામગીરીને કારણે વેપારીઓ લાલચમાં આવીને આ ઘાતક દોરી વેચી રહ્યા છે. પીડિત પરિવાર અને સ્થાનિકોએ માંગ કરી છે કે ચાઈનીઝ દોરી વેચતા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી અન્ય કોઈનો જીવ જોખમમાં ન મુકાય.