Last Updated on by Sampurna Samachar
માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
એક વર્ષ પહેલા શેર માર્કેટમાં નુકસાની થતા લોનની પડી જરૂર
(સંપૂર્ણ સમાચાર સેવા)
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના માલીવાડ ગામમાં રહેતા શેર માર્કેટમાં કામ કરતા રાહુલ સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. જે મામલે રાહુલ જયવંતભાઈ વાનખેડે દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ રાહુલ જયવંતભાઈ વાનખેડે શેર માર્કેટમાં ટ્રેડિંગનું બિઝનેસ કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, એક વર્ષ પહેલા શેર માર્કેટમાં નુકસાની થતા પૈસાની જરૂર પડતાં લોન લેવા માટે બેન્કમાં ફરતો હતો તે વખતે તેમના મિત્ર રાકેશ દેસાઇ એ રાજેશભાઈ અભયસિંહ ચાવડા અને તેમના ભાગીદાર નયનાબેન મનહરસિંહ મહિડા સાથે સંપર્ક કરાવ્યો હતો.
લોનના પૈસાની માંગણી કરતા ઝપાઝપી કરી
તારીખ ૨-૭-૨૦૨૪ ના રોજ રાહુલભાઇ ટાંક ખાતે આવેલ સહયોગ ફાઈનાન્સ નામની ઓફિસે ગયા હતા અને પાંચ કરોડની લોનની વાત કરી હતી. જ્યાં તેઓએ ૪.૨૩ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા પરંતુ તેમનાથી લોન નહીં થતાં તેઓએ શિવકુમાર રાજારામ રાઠોડ સાથે મુલાકાત કરાવી હતી. અને રોકડામાં પાંચ કરોડની લોન આપવાનું કહ્યું હતું.
મેં તેઓને કુલ ૯.૯૩ લાખ રૂપિયા ઓનલાઇન તેમજ રોકડામાં આપ્યા હતા. તેમ છતાં અમારી લોન થઈ ન હતી. જેથી હું તેઓને અવારનવાર મળતો હતો. પરંતુ બહાના બતાવે વાયદા કરતા હતા. ફેબ્રુઆરી ૨૦૨૫ માં ઇન્દિરા કોમ્પ્લેક્સમાં આવેલ તેમની ઓફિસે જઈને મેં લોનના પૈસાની માંગણી કરતા રાજેશ ચાવડાએ મારી સાથે ઝપાઝપી કરી ધમકી આપી હતી.