Last Updated on by Sampurna Samachar
રિક્ષા અને બોલેરો ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ
સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ માડિયામાં વાયરલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરેન્દ્રનગર શહેરમાં તાજેતરમાં ફાયર સ્ટેશન પાસે સર્જાયેલા એક કરૂણ અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે. આ અકસ્માતમાં એક યુવકનું બે વાહનોની અડફેટે આવતા ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, યુવક સુરેન્દ્રનગર શહેરના ફાયર બ્રિગેડ પાસે પાન ખાવા માટે ગયો હતો. જ્યારે તે રસ્તો ઓળંગી રહ્યો હતો, ત્યારે સૌ પ્રથમ એક રિક્ષા ચાલકે તેને અડફેટે લીધો હતો. રિક્ષાની ટક્કરને કારણે યુવક રોડ પર પટકાયો હતો. કમનસીબે, તે જ સમયે બીજી તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક બોલેરો પીકઅપ વાન તેની પર ફરી વળી હતી.
સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ
આ બેવડા અકસ્માતમાં યુવકને માથાના ભાગે, પીઠ અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ગંભીર ઈજાઓ જીવલેણ સાબિત થઈ હતી અને ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
આ મામલે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે રિક્ષા અને બોલેરો ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.