Last Updated on by Sampurna Samachar
આરોપી મહિલા અને પીડિતની વચ્ચે કથિત પ્રેમ સંબંધ હતો
યુવકની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી હોવાની માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈના સાંતાક્રૂઝ વિસ્તારમાંથી એક હચમચાવી નાખે એવી ઘટના સામે આવી છે. અહીં ૨૫ વર્ષીય પરિણીત મહિલાએ કથિત રીતે પોતાના ૪૪ વર્ષીય પ્રેમીને મીઠાઈ આપવાના બહાને ઘરે બોલાવ્યો અને પછી તેના પ્રાઈવેટ પાર્ટ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો હતો. આ હુમલામાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ યુવકની સાયન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી મહિલા અને પીડિતની વચ્ચે કથિત પ્રેમ સંબંધ હતો. મહિલા, પીડિતની બહેનની નણંદ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પીડિત છેલ્લા ૧૮ વર્ષથી સાંતાક્રૂઝ વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહે છે.
મહિલાથી પરેશાન થઈને પીડિત બિહાર ચાલ્યો ગયો હતો
પોલીસના જણાવ્યા અનુસાર, બંને વચ્ચે છેલ્લા ૬-૭ વર્ષથી કથિત પ્રેમ સંબંધ હતો. મહિલા પીડિતને તેની પત્નીને છોડી દેવા અને તેની સાથે લગ્ન કરવા માટે સતત દબાણ કરી રહી હતી. આ વાતને લઈને બંને વચ્ચે ઘણીવાર ઝઘડા પણ થયા હતા.
પોલીસનું કહેવું છે કે, આ મહિલાથી પરેશાન થઈને પીડિત નવેમ્બર ૨૦૨૫માં બિહાર ચાલ્યો ગયો હતો. જોકે, બિહાર ગયા પછી પણ આરોપી મહિલા ફોન કરીને તેને ધમકાવતી હતી. ૧૯ ડિસેમ્બરે મુંબઈ પરત ફર્યા બાદ પીડિતે મહિલા સાથે સંપર્ક તોડી નાખ્યો હતો. જે બાદ ૩૧ ડિસેમ્બરની રાતે મહિલાએ મીઠાઈ આપવાના બહાને તેને પોતાના ઘરે બોલાવ્યો હતો.
જે બાદ મહિલાએ પીડિતના પ્રાઈવેટ પાર્ટ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, ડોક્ટરોની ટીમે તાત્કાલિક સારવાર શરૂ કરી હતી અને યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.