Last Updated on by Sampurna Samachar
ઘટનામાં છ લોકોના મોત તેમજ ચાર પશુઓનો ભોગ લેવાયો
સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાના નિંદુનપુરવા ટેપરહા ગામમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. જ્યાં એક માથાફરેલા વ્યક્તિએ બે કિશોરોની કુહાડી વડે હત્યા કર્યા બાદ પોતાના જ પરિવાર સાથે એક રૂમમાં બંધ કરી આગ લગાવી દીધી, જેના કારણે કુલ છ લોકોનાં મોત થયા છે. આ ભીષણ આગમાં ચાર પશુઓ પણ જીવતા ભૂંજાઈ ગયા.

પોલીસના જણાવ્યા અનુસાર, ગામના રહેવાસી વિજય કુમારે પોતાના ખેતરમાં લસણ વાવવા માટે ગામના જ બે કિશોરો— સૂરજ યાદવ (૧૪) પુત્ર લચ્છી રામ અને સની વર્મા (૧૩) પુત્ર ઓમપ્રકાશને પોતાના ઘરે બોલાવ્યા હતા.
ઘરમાં બાંધેલા ચાર પશુઓ આગમાં બળીને ભસ્મ
અહેવાલો મુજબ, બંને કિશોરોએ નવરાત્રિનો અંતિમ દિવસ હોવાને કારણે ઘરે વધુ કામ હોવાનું કહીને ખેતરમાં કામ કરવાનો ઇનકાર કર્યો. આ વાતથી ગુસ્સે ભરાયેલા વિજયે પોતાના ઘરના આંગણામાં કુહાડી વડે બંને કિશોરો પર હુમલો કરી તેમની હત્યા કરી. આ ઘટનાને અંજામ આપ્યા બાદ વિજયે પોતાની પત્ની અને બે દીકરીઓ સાથે પોતાને એક રૂમમાં બંધ કરી દીધા અને રૂમને આગ લગાવી દીધી.
ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં બધું જ ખતમ થઈ ચૂક્યું હતું. આ અગ્નિકાંડમાં પતિ-પત્ની (વિજય અને તેની પત્ની) અને તેની બે દીકરીઓ સહિત ચાર લોકો જીવતા સળગી ગયા.
આ સમગ્ર ઘટનામાં બે કિશોરો સહિત કુલ છ લોકોનાં મોત થયા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઉપરાંત, વિજયના ઘરમાં બાંધેલા ચાર પશુઓ પણ આગમાં બળીને ભસ્મ થઈ ગયા. પોલીસે જણાવ્યું કે વિજય કુમાર ખેતી અને પશુપાલનનું કામ કરતો હતો. પોલીસ હાલમાં સમગ્ર મામલાની વિગતવાર તપાસ કરી રહી છે.