Last Updated on by Sampurna Samachar
દારૂ પીનારને 12 કલાક ગામની બહાર પાંજરામાં પૂરી દેવાશે
સજાથી ડરીને યુવકો દારૂ પીવાનું બંધ કરે તેવી આશા વ્યક્ત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણાના ખેરાલુના પાન્છા ગામે અનોખો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. યુવાધન દારૂની લતે ન ચડે તે માટે ગ્રામસભામાં અનોખો ઠરાવ પસાર કરાયો છે.
પાન્છા ગામમાં દારૂના લીધે અનેક યુવકોએ જીવ ગુમાવ્યો હોવાથી હવે તેવું ન થાય તેના માટે મહત્વનો ર્નિણય કરવામાં આવ્યો છે.

જો ગામનો કોઈ વ્યક્તિ દારૂ પીને આવશે તો તેને ગામની બહાર પાંજરામાં પૂરી દેવાશે અને ૧૨ કલાક સુધી પાંજરામાં રાખ્યા બાદ દારૂ પીનારાને પોલીસને હવાલે પણ કરવામાં આવશે. આવી સજાથી ડરીને યુવકો દારૂ પીવાનું બંધ કરે તેવી આશા વ્યક્ત કરી છે. ગામને વ્યસનમુક્ત કરવા માટે સરપંચ સહિતના આગેવાનોએ મહત્વનો ર્નિણય કર્યો છે.
વ્યસનમુક્તિ અને સંપૂર્ણ દારૂબંધીના અમલ માટે ગ્રામસભાનું આયોજન
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના પાંછા ગામે વ્યસનમુક્તિ અને સંપૂર્ણ દારૂબંધીના અમલ માટે એક મહત્વપૂર્ણ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં અગાઉ દારૂના રવાડે ચડેલા યુવાનો એ જીવ ગુમાવ્યો હતો, જેને લઇ ગામના સરપંચ અને પંચાયતના સભ્યોની જાહેરાત બાદ તમામ સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં રાત્રિના સમયે એકત્રિત થયા હતા.
આ બેઠકમાં ગામના આગેવાન વિનુભાઈએ જણાવ્યું હતું કે, ગામને નશામુક્ત બનાવવા માટે તમામ ગ્રામજનોએ એક અવાજે બાંહેધરી આપી છે. દારૂની બદીને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે ગામના આગેવાનો દ્વારા આજથી જ સઘન પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે, જેથી કોઈપણ યુવાન કે વડીલ આ વ્યસનનો ભોગ ન બને. તે માટે દારૂ પીનારાઓને પાંજરું બનાવી ગામના ગોંદરે તેમને પાંજરે પુરવાનો ઠરાવ કરવામા આવ્યો છે.
સ્થાનિક પંકજભાઈ ચૌધરીએ કહ્યું કે, અમારા પાન્છાગામમાં દારૂબંધીના ચુસ્ત અમલ માટે ગ્રામસભામાં એક અનોખો ર્નિણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત ગામમાં એક વિશેષ ‘પાંજરું’ બનાવવાનું નક્કી કરાયું છે. જાે કોઈ વ્યક્તિ જાહેરમાં દારૂ પીતા અથવા નશો કરેલી હાલતમાં પકડાય તો તેને આ પાંજરામાં પૂરવામાં આવશે, જેથી સામાજિક ક્ષોભ અને કડક કાર્યવાહીના ડરથી લોકો દારૂ પીવાનું બંધ કરે. સમગ્ર ગ્રામજનોએ એકજૂથ થઈને લીધેલા આ ર્નિણયથી પંથકમાં વ્યસનમુક્તિની નવી લહેર જાેવા મળી રહી છે.