Last Updated on by Sampurna Samachar
તળાવમાં ડૂબી જતા બે સગી બહેનોના મોત થયા
પાણી ભરેલા ખાડામાં પડી જતાં ડૂબવા લાગી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જલાલપુર ગામેથી એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. અહીં તળાવના પાણીમાં ડૂબી જવાથી બે સગી બહેનોના મોત નીપજ્યા છે. રમતા-રમતા પાણીના ખાડામાં પડી જવાથી બંને બાળકીઓ કાળનો કોળિયો બની જતાં માલધારી પરિવાર સહિત સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઘટનાની મળતી મહિતી અનુસાર, મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખંભાળા ગામના માલધારી પોપટભાઈ સોરીયા પશુઓ ચરાવવા માટે પરિવાર સાથે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જલાલપુર ગામે આવ્યા હતા. તેમની બે પુત્રીઓ રિદ્ધિબેન (ઉંમર ૭ વર્ષ) અને ગોપીબેન (ઉંમર ૫ વર્ષ) ઘરની પાસે રમી રહી હતી.
અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
રમતા-રમતા બંને બાળકીઓ અચાનક તળાવ પાસે પહોંચી ગઈ હતી અને પાણી ભરેલા ખાડામાં પડી જતાં ડૂબવા લાગી હતી. બંને બાળકીઓ પાણીમાં ગરકાવ થઈ જતાં તેમનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.એક જ પરિવારની બે વહાલસોયી પુત્રીઓના મોતથી સોરીયા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
ઘટનાની જાણ થતાં જ ઢસા ૧૦૮ ની ટીમ દોડી આવી હતી અને બંને બાળકીઓના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ઢસા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા. રમતા-રમતા મોતના મુખમાં હોમાયેલી આ બાળકીઓની ઘટનાએ પંથકના લોકોની આંખો ભીની કરી દીધી છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.