Last Updated on by Sampurna Samachar
અમદાવાદની મહિલા ઉદ્યોગપતિ બની નિશાન
મોબાઈલમાં કેટલીક અંગત તસવીરો અને વીડિયો પણ લેવાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં રહેતી અને વ્યવસાયે ઉદ્યોગપતિ ૩૫ વર્ષીય મહિલાને તેના જ એક પરિચિત શખસે શારીરિક અડપલાં કરી, ગાળો આપી અને સોશિયલ મીડિયા પર અંગત તસવીરો વાઈરલ કરવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે. સ્કૂટર ખરીદવા માટે ઉછીના પૈસા ન આપતા ઉશ્કેરાયેલા મહેસાણાના શખસે મહિલાને બદનામ કરવાનું કાવતરું રચતા આખરે મામલો વસ્ત્રાપુર પોલીસ મથકે પહોંચ્યો છે.

પોલીસ ફરિયાદ અનુસાર, ભોગ બનનાર મહિલા ફેબ્રુઆરી મહિનામાં ઊંઝા ગઈ હતી, જ્યાં તેની મુલાકાત મહેસાણાના કિરણકુમાર રમેશભાઈ પટેલ (ઉં.વ.૩૪) સાથે થઈ હતી. શરૂઆતમાં બંને વચ્ચે ફોન અને સોશિયલ મીડિયા પર વાતચીત શરૂ થઈ હતી. એપ્રિલ માસમાં જ્યારે કિરણ વ્યવસાયિક અર્થે અમદાવાદ આવ્યો ત્યારે બંને વચ્ચે નિકટતા વધી હતી.
ગુનાહિત ધમકી, હુમલો અને ખંડણીનો ગુનો દાખલ
તપાસ દરમિયાન મહિલાને જાણ થઈ હતી કે કિરણ પરણીત છે અને તેને બે બાળકો પણ છે. તેમ છતાં તેમની વચ્ચે વાતચીત ચાલુ રહી હતી અને આ સમયગાળા દરમિયાન મોબાઈલ ફોનમાં કેટલીક અંગત તસવીરો અને વીડિયો પણ લેવામાં આવ્યા હતા.
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ડિસેમ્બર માસમાં કિરણ પટેલે મહિલા પાસે એક્ટિવા સ્કૂટર ખરીદવા માટે નાણાંની માંગણી કરી હતી. મહિલાએ પોતાની પાસે પૈસા ન હોવાનું કહી ના પાડી દેતા કિરણ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે મહિલા સાથે બે-ત્રણ વાર ઝઘડો કરી શારીરિક હુમલો પણ કર્યો હતો. ૭ જાન્યુઆરીના રોજ ફરી પૈસા માંગતા મહિલાએ ન આપતા કિરણે ધમકી આપી હતી કે, “હવે તું જાે હું તારી સાથે શું કરું છું.”૧૬ જાન્યુઆરીના રોજ રાત્રે ૧૦:૩૦ વાગ્યે કિરણે મહિલાના વોટ્સએપ પર બંનેના અંગત ફોટા મોકલી ધમકી આપી હતી કે, જો પૈસા નહીં આપે તો આ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર તેમજ તેના મિત્ર વર્તુળમાં વાઈરલ કરી દઈશ.
આ ધમકીથી ડરી ગયેલી મહિલાએ આખરે હિંમત ભેગી કરી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.વસ્ત્રાપુર પોલીસે કિરણ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનાહિત ધમકી, હુમલો અને ખંડણીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.