Last Updated on by Sampurna Samachar
દોઢેક કલાકની જહેમત બાદ આગને કાબૂમાં આવી
પોલીસે જપ્ત કરેલા વાહનોનો જેલમાં કરાયો હતો ખડકલો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભુજના સરપટ ગેટ પાસે આવેલી જુની જેલને પાલારા પાસે ખસેડવામાં આવ્યા બાદ ખાલી પડેલી જેલમાં બી ડિવિઝન પોલીસ દ્વારા જપ્ત કરાયેલા વાહનો રાખવામાં આવ્યા હતા. આ વાહનોના ખડકલામાં બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેથી પાલિકા હસ્તકના ફાયર વિભાગની ટીમને પણ ઘટના સ્થળે બોલાવી લેવામાં આવતા પાણીનો મારો ચલાવીને દોઢેક કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.
આગ કાબૂમાં આવી ત્યાં સુધીમાં મોટાભાગના વાહનોનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ બપોરના અરસામાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી જુની જેલમાં અચાનક બ્લાસ્ટ સાથે આગ ભભૂકી ઉઠતાં આજુબાજુનાં વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. જોતજોતામાં આગને કારણે ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ જતાં દૂર દૂર સુધી દેખાયા હતા. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.
વાહનોના ખડકલામાં અચાનક આગ લાગી
જુની જેલ પાસે આવેલો રસ્તો કાળા ડીબાંગ ધુમાડામાં ગરકાવ થઈ ગયો હતો. આજુબાજુના રહેવાસીઓના પણ શ્વાસ અધ્ધર થઇ ગયા હતા. તાત્કાલિક અસરથી પોલીસ વિભાગ હરકતમાં આવી ગયો હતો. પાલિકા હસ્તકના ફાયર વિભાગને જાણ કરાતા તરત જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે ધસી ગઈ હતી. અહીં બી ડિવિઝન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા વાહનોનો ખડકલો કરવામાં આવ્યો હતો, જેમાં કોઈ કારણસર બ્લાસ્ટ થતાં આગ ભભૂકી ઉઠી હતી.
પવનને કારણે આગે થોડીવારમાં જ વિકરાળ રૂપ ધારણ કરી લીધુ હતું અને અહીં પડેલા મોટાભાગના વાહનો સહિત અન્ય વાહનો પણ ઝપટમાં આવી ગયા હતા. ફાયરની ટીમને આગ પર કાબૂ મેળવવામાં દોઢ કલાક જેટલો સમય લાગ્યો હતો. આગની જાણ થતાં પ્રાંત અધિકારી – ઈન્ચાર્જ ચીફ ઓફિસર સહિત નગરપાલિકાનો સ્ટાફ કાઉન્સિલરો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવામાં મદદરૂપ બન્યા હતા.
જુની જેલમાં બી ડિવિઝન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા અંદાજિત ૫૦૦ થી ૬૦૦ જેટલા વાહનોનો ખડકલો કરવામાં આવ્યો હતો. આ સિવાય અન્ય પણ ૪૦૦ જેટલા વાહનો અહીં રાખવામાં આવ્યા હતા, જેમાં બપોરના સમયે બ્લાસ્ટ બાદ આગ ભભૂકી ઉઠી હતી. જેને કારણે અહીં રાખવામાં આવેલા મોટાભાગનાં વાહનો આગની ઝપટમાં આવી ગયા હતા.
જુની જેલમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે, અમુક વાહનોનો તો રીતસરનાં ઓગળીને રસમાં ફેરવાઇ ગયા હતા. જેને કારણે ફાયર વિભાગની ટીમને પણ આગ ઉપર કાબૂ મેળવવા માટે ઘણી જહેમત ઉઠાવવી પડી હતી. વળી, ખરા તડકે આગ લાગવાને કારણે સ્થળ પર ગરમીમાં પણ વધારો થઇ ગયો હતો. છતા પણ ફાયર બ્રિગેડની ટીમે આગને કાબૂમાં લેવા કોઇ કસર બાકી ન રાખી.
જુની જેલમાં લાગેલી આગને જાેવા માટે થોડી વારમાં જ લોકોના ટોળે ટોળા ઉમટી પડતાં ફાયર વિભાગને પણ પોતાની કામગીરીમાં મુશ્કેલી ઊભી થતાં તુરત જ પોલીસ સ્ટાફ હરકતમાં આવી ગયો હતો અને લોકોને દૂર ખસેડવાના કામમાં ગોઠવાઈ ગયો હતો તો બીજી તરફ લોકો પણ પોતાપોતાના મોબાઈલમાં આગના દૃશ્યોનું શૂટિંગ કરવામાં લાગી ગયા હતા.