Last Updated on by Sampurna Samachar
યાત્રિકોએ મોબાઈલ કેમેરામાં આ અદભૂત દ્રશ્યો કેદ કર્યા
સાવજે દેખા દેતાં લોકોમાં કૂતૂહલ સાથે ભય
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાવનગર જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ જૈન તીર્થધામ પાલિતાણામાં આવેલા શેત્રુંજ્ય પર્વત પર ફરી એકવાર વનરાજાએ દેખા દીધી છે. પવિત્ર ડુંગર પર સિંહ નિરાંતે લટાર મારતો જોવા મળતા યાત્રિકોમાં કુતૂહલ સાથે ફાળ પડી હતી. સિંહની આ લટારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે.

સામાન્ય રીતે શેત્રુંજ્ય પર્વત પર હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ડુંગર ચઢતા હોય છે. આ દરમિયાન અચાનક સિંહ રસ્તા પર આવી ચડતા યાત્રિકો સ્તબ્ધ થઈ ગયા હતા. સુરક્ષાના ભાગરૂપે પ્રવાસીઓએ થોડીવાર માટે રસ્તો થંભાવી દીધો હતો અને વનરાજને માર્ગ આપ્યો હતો. પર્વત પર સિંહને જોઈને યાત્રિકોએ પોતાના મોબાઈલ કેમેરામાં આ અદભૂત દ્રશ્યો કેદ કરી લીધા હતા.
વન વિભાગ દ્વારા યાત્રિકોને સાવચેત રહેવા સલાહ
છેલ્લા કેટલાક સમયથી પાલિતાણા અને તેની આસપાસના ડુંગરાળ વિસ્તારોમાં વન્યપ્રાણીઓની અવરજવર વધી છે. શેત્રુંજ્ય પર્વત અને તેની આસપાસની ગીરીમાળાઓ સિંહો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની રહી છે. અવારનવાર અહીં સિંહ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓ જોવા મળે છે. વન વિભાગના મતે, આ વિસ્તારમાં ખોરાક અને પાણીની ઉપલબ્ધતા હોવાથી સિંહો અહીં વસવાટ કરી રહ્યા છે.
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, સિંહ કોઈ પણ જાતના ડર વગર પર્વતની કેડીઓ પર રટાર મારી રહ્યો છે. આ દ્રશ્ય જોઈને વન્યજીવ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ વન વિભાગ દ્વારા યાત્રિકોને સાવચેત રહેવા અને વન્યપ્રાણીઓને ખલેલ ન પહોંચાડવા અપીલ કરવામાં આવી છે. પાલિતાણાના ડુંગર પર સિંહની હાજરી એ કુદરત અને શ્રદ્ધાના સંગમ જેવો અહેસાસ કરાવી રહી છે.