Last Updated on by Sampurna Samachar
પ્રથમ વખત પાકિસ્તાનમાં કોઇ ખેલાડીને ટાઇમ આઉટ અપાયું
ક્રિઝ પર મોડા પહોંચતા બની ઘટના
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાન ક્રિકેટ ટીમના બેટ્સમેન સઈદ શકીલ સાથે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક વિચિત્ર ઘટના બની છે. સઈદ શકીલ મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં સૂઈ ગયો હતો. તે બેટિંગ કરવા માટે મોડા ક્રિઝ પર પહોંચ્યો હતો અને આવી સ્થિતિમાં અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો હતો. જો બેટ્સમેન નિર્ધારિત સમયમાં ક્રિઝ પર ન પહોંચે તો તેને ટાઈમ આઉટ આપવામાં આવી શકે છે. આવું જ સઈદ શકીલ સાથે થયું હતું. જેના કારણે ૩ બોલમાં ૪ વિકેટ પડી હતી અને બોલરે હેટ્રિક પણ મેળવી હતી. પાકિસ્તાન ક્રિકેટમાં પ્રથમ વખત કોઈ ખેલાડીને ટાઈમ આઉટ આપવામાં આવ્યો છે.
પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થયાના થોડા દિવસો બાદ સઈદ શકીલે રાવલપિંડીમાં ઘરેલુ પ્રેસિડેન્ટ ટ્રોફીની ફાઈનલમાં ભાગ લીધો હતો. આ સમય દરમિયાન તે આ રીતે આઉટ થનાર ક્રિકેટરોની રેકોર્ડ બુકમાં પણ સામેલ થઈ ગયો છે.
સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (PAKISTHAN) માટે પાંચમા નંબર પર બેટિંગ કરવા આવેલા શકીલને સમયસર બેટિંગ કરવા ન આવવાને કારણે ટાઈમ આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન ટેલિવિઝન ટીમના ફાસ્ટ બોલર મુહમ્મદ શહઝાદે સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના કેપ્ટન ઉમર અમીન અને ફવાદ આલમને સતત બે બોલ પર આઉટ કર્યા હતા.
ફર્સ્ટ-ક્લાસ ઈતિહાસમાં એક દુર્લભ ઘટના
આ પછી શકીલ ક્રિઝ પર આવ્યો, પરંતુ તેણે ત્રણ મિનિટથી વધુ સમય લીધો. ત્યારબાદ સામેની ટીમના કેપ્ટને ટાઈમ આઉટ માટે અપીલ કરી અને ઓન-ફીલ્ડ અમ્પાયરે અપીલ સ્વીકારી અને સઈદ શકીલને ટાઈમ આઉટ માનવામાં આવ્યો, જે ફર્સ્ટ-ક્લાસ ઈતિહાસમાં એક દુર્લભ ઘટના છે, કારણ કે તે આ રીતે આઉટ થનાર પ્રથમ પાકિસ્તાની બેટ્સમેન છે.
જો રિપોર્ટ્સનું માનીએ તો તે ડ્રેસિંગ રૂમમાં સૂઈ ગયો હતો. આવી સ્થિતિમાં તે ક્રિઝ પર મોડો પહોંચ્યો હતો. તે રમવા આવ્યો તે પહેલા બોલરે ૨ બોલ પર પ્રથમ બે બેટ્સમેનોને આઉટ કર્યા હતા. શકીલ ત્રીજા બોલ પહેલા જ ટાઈમ આઉટ થયો હતો અને પછીના બોલ પર તેને ફરીથી વિકેટ મળી હતી. આ રીતે બોલરે ૩ બોલમાં ૪ વિકેટ ઝડપી હતી. ૨૦૨૩ ODI વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે એન્જેલો મેથ્યુઝ પણ આ રીતે આઉટ થયો હતો.