Last Updated on by Sampurna Samachar
શાળાએ મામલાને ટાળવાનો પ્રયાસ કરાયો
૧૮ જેટલા બાળકોને અચાનક ઊલટી અને પેટમાં દુખાવો થયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બહાદૂરપુર ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં ફૂડ પોઇઝનિંગના સમાચાર સામે આવ્યા છે. શાળામાં આશરે ૧૮ જેટલા બાળકોની અચાનક તબિયત લથડતા ફૂડ પોઇઝનિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, શાળાના સંચાલકો દ્વારા આ મામલો રફે-દફે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને વાલીને બાળકોની તબિયત વિશે જાણ કરવામાં આવી નહતી. પરંતુ, બાદમાં હકીકત સામે આવતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ શાળાએ પહોંચી તપાસ માટે નમૂના એકઠા કર્યા હતા.

મળતી માહિતી મુજબ, છોટાઉદેપુરના બહાદૂરપુર ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં અચાનક વિદ્યાર્થીઓની તબિયત લથડવા લાગી હતી. કુલ ૧૮ જેટલા બાળકોને અચાનક ઊલટી અને પેટમાં દુખાવા જેવી બીમારીની સમસ્યા જોવા મળી હતી.
૭૨ કલાક સુધી આરોગ્ય વિભાગની ટીમ કરશે તપાસ
આ ઉપરાંત બે વિદ્યાર્થીઓને તાવ અને ૪ વિદ્યાર્થીને અશક્તિ તેમજ અન્ય ૪ ને શારીરિક દુખાવા જેવી તકલીફ ઊભી થઈ હતી. જોકે, શાળા દ્વારા બારોબાર તેમની સારવાર કરી દેવામાં આવી અને વાલીઓને આ વિશે જાણ કરવામાં આવી નહતી. જોકે, વિદ્યાર્થીઓની તબિયત વિશે માહિતી મળતા જ આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.
શાળા સંચાલકોને જ્યારે આ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા, ત્યારે તેમણે ઉડાઉ જવાબ આપતા કહ્યું કે, હોસ્ટેલના ભોજનથી કોઇને ફૂડ પોઇઝનિંગ થયું નથી. વાલીઓ રવિવારે પોતાના બાળકો માટે ખાવાનું લઈને આવે છે. આ ખાવાનું બાળકોએ રવિવારે પણ ખાધું અને સોમવારે વાસી પણ ખાધું જેના કારણે તેમની તબિયત બગડી હોય શકે છે.
આરોગ્ય વિભાગના કર્મચારી આર. એસ. પટેલે જણાવ્યું કે, અમને વિદ્યાર્થીઓની તબિયત વિશે જાણ થતા તુરંત તપાસ માટે આવ્યા હતા. હાલ, હોસ્ટેલના રસોડાની સ્થિતિ જાેઇને એવું જ લાગે છે કે, હોસ્ટેલના ભોજનથી જ બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોય શકે છે. જોકે, હાલ અમે સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે. ૭૨ કલાક સુધી આરોગ્ય વિભાગની ટીમ અહીં કાર્યરત રહેશે અને તપાસ કરશે. જો તપાસમાં કંઇ શંકાસ્પદ જણાશે તો તે વિશે વિસ્તારથી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.