Last Updated on by Sampurna Samachar
વડીલોની સંભાળ રાખતા શખ્સે કરી દાગીનાની ચોરી
કેમેરા ફૂટેજથી પરિવારની શંકાને પુષ્ટિ મળી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈના માટુંગા વિસ્તારમાં ગુજરાતી પરિવારના ઘરમાંથી નોકરે ચોરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ભાઉદાજી રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા ૫૩ વર્ષીય ગુજરાતી વેપારી કૌશલ અરવિંદ ભુવાના ઘરમાંથી આશરે ૨૨ લાખ રૂપિયાના સોના અને હીરાના દાગીના ચોરાઈ ગયા છે. આ ચોરી પાછળ તેમના જ ઘરમાં વડીલોની સંભાળ રાખવા રાખેલા ૪૬ વર્ષીય નોકર નીતિન જાધવનો હાથ હોવાનો આરોપ છે.

નીતિન ચોરી કરીને રફુચક્કર થઈ ગયો છે, અને માટુંગા પોલીસે તેની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.વેપારીના ઘરમાં વિશ્વાસનો દુરુપયોગ કૌશલ ભુવા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
૨૨ લાખ રૂપિયાના દાગીના ચોરી કરી ફરાર
ગુજરાતી પરિવારના ઘરમાં બે વડીલોની સંભાળ માટે આશરે છ મહિના પહેલાં નીતિન જાધવને ફુલટાઇમ નોકર તરીકે રાખવામાં આવ્યો હતો. નીતિન દરરોજ સવારે ૮ વાગ્યે આવીને વડીલોની સંભાળ રાખતો અને સાંજે પાછો ઘરે જતો હતો. પરંતુ ૬ ડિસેમ્બરથી અચાનક નીતિન કામ પર આવવાનું બંધ કરી દીધું.
પરિવારે અનેક વખત તેના ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો કોઈ જવાબ ન મળ્યો.આથી પરિવારને શંકા થઈ અને વડીલોના બેડરૂમમાં વૉર્ડરોબમાં રાખેલા દાગીનાની તપાસ કરી. તપાસમાં ૧૬ પ્રકારના સોના અને હીરા જડિત દાગીના ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું, જેની કુલ કિંમત આશરે ૨૨ લાખ રૂપિયા છે.
ઘરમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન કૅમેરાના ફૂટેજમાં નીતિન જાધવ દાગીના પર હાથ સાફ કરતો જોવા મળ્યો છે. આ ફૂટેજે પરિવારની શંકાને પુષ્ટિ આપી અને તેમણે તુરંત માટુંગા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.