Last Updated on by Sampurna Samachar
રીક્ષા ચાલકના નામે પેઢી ખોલી થયા લાખોના વ્યવહાર
રીક્ષા ચાલક સાથે વિશ્વાસઘાત થયાની ફરિયાદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
હારીજના જુનામાંકા ગામે રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ચાલકને ઈન્કમટેક્સ વિભાગની નોટિસ આવતા હોબાળો મચી ગયો છે. વાત એમ છે કે, રીક્ષા ચાલક રોહિત પરમારને દવાખાના માટે રૂપિયાની જરૂર હોઈ તેના ગામના જ પરિચિત વ્યક્તિ શંકરભાઈ દેસાઈ પાસે ઉછીના રૂપિયા માંગ્યા હતા.
શંકરભાઈને અમદાવાદ ખાતે રહેતા તેના એક મિત્ર બેંકમાં નોકરી કરે છે, જે ‘જિલ્લા ઉદ્યોગમાંથી તમને સબસીડીવાળી લોન કરી આપશે’ તેવું જણાવ્યું હતું ત્યાર બાદ રીક્ષા ચાલક રોહિતભાઈને લોન બાબતે ફોન કરી અમદાવાદ આવવાનું કહી ડોક્યુમેન્ટ મંગાવ્યા હતા. બાદમાં ત્રણ ચાર ઈસમોને બોલાવી કાગળો પર રોહિતભાઈની સહીઓ કરાવી હતી અને અન્ય ઠક્કર ભાઈ નામનો વ્યક્તિ આવે એટલે રોહિતભાઈને બોલાવશું તેમ જણાવ્યું હતું.
હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
ત્યાર બાદ ચેક બુક આવી ગઈ હોવાનું કહી રોહિતભાઈને અમદાવાદ બોલાવી સહીઓ કરાવી હવે લોન પાસ થઇ જશે તેમ જણાવ્યું હતું. સમય વીતી ગયા બાદ પણ લોન અંગે કોઈ જવાબ ન મળતા રોહિતભાઈએ ડોક્યુમેન્ટ પાછા માંગ્યા હતા, જેમાં કેટલાક ડોકયુમેન્ટ પરત આપ્યા હતા અને બીજા ડોક્યુમેન્ટ આપ્યા ન હતા.
૪ જૂનના રોજ રોહિતભાઈના મોબાઇલ પર ઈન્કમટેક્સ વિભાગમાંથી નોટિસ અંગેનો ફોન આવ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે, રોહિતભાઈના નામે ઉમા ટ્રેડીગ નામની પેઢી ખોલવામાં આવી છે, જેમાં વર્ષ ૨૦૨૧-૨૨ માં તેમના ખાતામાં રૂપિયા ૩૫,૪૭,૭૦,૦૦૦ નો વ્યવહાર થયો હતો. જે વધુ હોઈ નોટિસ આપવામાં આવી હતી. આ બાબતે રોહિતભાઈએ શંકર દેસાઈ, ઠક્કર સામે હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.