Last Updated on by Sampurna Samachar
સુપ્રિયા સુલે આ મામલે અંતિમ ર્નિણય લેશે
સુપ્રિયા સુલેના માથે નાખવામાં આવી જવાબદારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી સમયથી રાજ્યનું રાજકારણ સતત ચર્ચામાં છે. મહારાષ્ટ્રના પવાર (PAVAR) પરિવારમાં સત્જાતા અને ઉત્તરાધિકારીનો વિખવાદ હવે પૂર્ણ થવાના આરે હોવાનો સંકેત પરિવારના જ સભ્યે જ આપ્યો છે. મહારાષ્ટ્રના રાજકરણમાં લાંબા સમયથી આ વિષય ચર્ચાઈ રહ્યો છે.
શરદ પવારના પૌત્ર અને તેમના ખાસ રોહિત પવારે અજિત પવારની NCP અને શરદ પવારની NCP -SP વચ્ચે વિલય થવાની સંભાવના વ્યક્ત કરતાં આ અટકળોને વેગ મળ્યો છે. રોહિત પવારને આ બંને જૂથના વિલય અંગેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેનો જવાબ આપતાં કહ્યું કે, સુપ્રિયા સુલે આ મામલે અંતિમ ર્નિણય લેશે. જે સંકેત આપે છે કે, બંને પરિવાર ફરી પાછો એક તાંતણે જોડાઈ શકે છે.
બંને પરિવાર વચ્ચે સમાધાન થશે
ઉલ્લેખનીય છે, બંને પરિવારના સભ્યો પહેલાંથી જ બંને પરિવારના જોડાણના દાવાઓ ફગાવતાં આવ્યા છે. શરદ પવારે પણ એકતાની વાત પર સ્પષ્ટ જવાબ આપ્યો નથી. પરંતુ બંને પરિવાર વચ્ચે સમાધાન કરાવવાની જવાબદારી સુપ્રિયા સુલેના માથે નાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ વિદેશ પ્રવાસથી પરત ફર્યા બાદ આ મુદ્દે વાત કરશે.
સુપ્રિયા સુલે હાલ ઓપરેશન સિંદૂરની માહિતી વિશ્વ સુધી પહોંચાડવાના કેન્દ્ર સરકારના ડેલિગેશન મિશન પર છે. તેઓ ૫ જૂને ભારત પરત ફરશે. શરદ પવારે કહ્યું કે, અજિત પવાર જૂથ સાથે વિલય મુદ્દે અમારા ધારાસભ્યો કે કાર્યકરો વચ્ચે કોઈ ચર્ચા થઈ નથી. સુપ્રિયા સુલે પરત ફર્યા બાદ ચોક્કસ ર્નિણય લેશે.
એવી અટકળો પણ વહેતી થઈ છે કે, શરદ પવાર ભાજપ અને અજિત પવારની એનસીપી સાથે ગઠબંધન કરવા વિચારણા કરી રહ્યા છે. પરંતુ શરદ પવારનો રાજકીય ઈતિહાસ ચોંકાવનારો રહ્યો છે. તેમની કથની અને કરનીમાં ઘણીવાર ફેર જોવા મળ્યો છે. જેથી આ મામલે જ્યાં સુધી સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ સ્પષ્ટ ચિત્ર જાણવા મળશે નહીં.