Last Updated on by Sampurna Samachar
અકસ્માત સર્જ્યા બાદ કારચાલક કાર મુકીને ફરાર
બાઈક સવારને જોરદાર ટક્કર મારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટના માર્ગો પર પૂરપાટ ઝડપે દોડતા વાહનો નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. આવામાં રાજકોટ શહેરના ચુનારાવાડ ચોક નજીક મોડી રાત્રે એક બેફામ બનેલી કારે બાઈક સવારને અડફેટે લેતા અફરાતફરી મચી જવા પામી હતી. આ અકસ્માત સર્જ્યા બાદ કારચાલક કાર ઘટના સ્થળે મુકીને ફરાર થઇ ગયો હતો.

ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરના ચુનારાવાડ ચોક વિસ્તારમાંથી પસાર થઈ રહેલી એક પૂર ઝડપે આવતી કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને સામેથી આવી રહેલા બાઈક સવારને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે, બાઈક સવાર રોડ પર પટકાયો હતો. અકસ્માત સર્જાયા બાદ આસપાસના લોકો એકઠા થઈ જતાં, પકડાઈ જવાની બીકે કારચાલક પોતાનું વાહન ત્યાં જ છોડી નાસી છૂટ્યો હતો.
પોલીસે ફરાર કારચાલકની શોધખોળ શરૂ કરી
સદનસીબે આ ભયાનક અકસ્માતમાં બાઈક ચાલકને માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી છે, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે. જોકે, અકસ્માતને પગલે બાઈકને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસે ફરાર કારચાલકની શોધખોળ શરૂ કરી છે અને આસપાસના CCTV ફૂટેજ ચકાસવાની તજવીજ હાથ ધરી છે.