Last Updated on by Sampurna Samachar
સમગ્ર સિવિલ હોસ્પિટલ મરણચીસોથી ગૂંજી ઉઠ્યું
ગણતરીની મિનિટોમાં પ્લેન ક્રેશ …
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયા બાદ શહેરમાં સ્થિતિ ભયંકર જોવા મળી હતી. ખાસ કરીને સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની મોટા પ્રમાણમાં લાઈનો લાગેલી જોવા મળી છે. સાથે જ આખું સિવિલ હોસ્પિટલ મરણચીસોથી ગૂંજી ઉઠ્યું હતું. વાત કરીએ તો બપોરે ૧:૩૮ વાગ્યે એર ઈન્ડિયાનું પ્લેન લંડન જવા માટે રવાના થયું અને ૫ મિનિટના ડિસ્ટન્સમાં જ ૧:૪૩ વાગ્યે પ્લેન ક્રેશ થયું હતું.
પ્લેન BJ મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલ સાથે અથડાયું હતું અને અથડાતાની સાથે જ પ્લેનમાં બ્લાસ્ટ થયો હતો. પ્લેન અને બિલ્ડિંગ બંનેમાં બ્લાસ્ટ થયો હતો, ત્યાંના પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે. સાથે જ પ્રત્યક્ષદર્શીઓએ એવું પણ કહ્યું કે બિલ્ડિંગમાં LPG સિલિન્ડર હતા. જે બ્લાસ્ટ થયા છે.
વિમાનમાં ૫૮ હજાર લિટર ઈંધણ હતું
જે સમયે પ્લેન ક્રેશ થયું. ત્યારે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિમાન હજુ તો ટેકઓફ થયું હતું જેના કારણે તેમાં ફ્યુઅલ પણ મોટા પ્રમાણમાં હતું. પ્લેન ક્રેશ થયા બાદ અમદાવાદ શહેરના રસ્તાઓ પર સતત એમ્બ્યુલન્સ દોડતી નજરે પડી હતી. સાથે જ ફાયર વિભાગની ટીમો પણ જુદા જુદા જિલ્લાઓમાંથી અમદાવાદ પહોંચી હતી.
પ્લેનમાં ૨૪૨ પ્રવાસીઓ સવાર હતા અને જે સમયે પ્લેન ક્રેશ થયું. તે સમયે માત્રને માત્ર ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જિંદગી અને મોત વચ્ચે કેટલું અંતર રહેલું છે તે આ વિમાન દુર્ઘટનાથી ખબર પડે છે. કારણ કે પ્લેન ટેકઓફ થયાના માત્ર ૫ મિનિટમાં જ ક્રેશ થઈ ગયું હતું. પ્લેન ક્રેશ થયા બાદ બ્લાસ્ટ એટલા માટે થયો હતો. કારણ કે પ્લેનમાં ૫૮ હજાર લિટર ઈંધણ હતું.
પ્લેન ક્રેશ થયું. ત્યારે દીવાલમાં બાકોરું પડી ગયેલું એટલે કે પ્લેન દીવાલને આરપાર થઈ ગયું હતું. જે બિલ્ડિંગમાં પ્લેન ક્રેશ થયું ત્યાં પણ મોટી સંખ્યામાં જાનહાનિ થઈ છે. ઘટના બાદ આર્મી કેન્ટ અમદાવાદ ખાતે સેનાએ તેની બાઉન્ડ્રી વોલ તોડી નાખી છે. જેથી ક્રેશના સ્થળે સરળતાથી પ્રવેશ મેળવી શકાય.