Last Updated on by Sampurna Samachar
બિહાર ચૂંટણી પહેલા ફસાયા પ્રશાંત કિશોર
પ્રશાંત કિશોરે કોઇ સ્પષ્ટતા કરી નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહાર ચૂંટણીમાં પોતાની જનસુરાજ પાર્ટી સાથે મેદાનમાં ઉતરેલા પ્રશાંત કિશોર નવી મુશ્કેલીમાં ફસાયા છે. ચૂંટણી વ્યૂહનીતિકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોરનું નામ બિહાર ઉપરાંત પશ્ચિમ બંગાળની મતદાર યાદીમાં પણ મળી આવ્યું છે. કાયદા પ્રમાણે એક વ્યક્તિનું નામ બે મતદાર યાદીમાં ન હોય શકે.

એક અહેવાલ પ્રમાણે બંગાળની મતદાર યાદીમાં પ્રશાંત કિશોરનું સરનામું ૧૨૧, કાલીઘાટ રોડ તરીકે નોંધાયેલું છે. આ એ જ સ્થાન છે જ્યાં તૃણમૂલ કોંગ્રેસનું કાર્યાલય છે. તમને જણાવી દઈએ કે, પ્રશાંત કિશોરે ૨૦૨૧ની બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન TMC ની ચૂંટણી વ્યૂહનીતિ તૈયાર કરી હતી. TMC કાઉન્સિલર અને મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભાભી કજરી બેનર્જીએ જણાવ્યું હતું કે, પ્રશાંત કિશોર તે સમય દરમિયાન TMC ની ઓફિસમાં આવતા હતા અને રોકાતા હતા.
બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી જવાબ આપ્યા નહીં
આ વિસ્તાર મુખ્યમંત્રી મમતા બેનર્જીના વિધાનસભા વિસ્તાર ભવાનીપુરમાં આવે છે. પ્રશાંતનું મતદાન મથક બી રાનીશંકરી લેન સ્થિત સેન્ટ હેલેન સ્કૂલમાં નોંધાયેલું છે. ગત વર્ષની લોકસભા ચૂંટણી દરમિયાન CPM એ પ્રશાંત કિશોરના બંગાળના મતદાર હોવા સામે વાંધો ઉઠાવ્યો હતો.
બિહારમાં પ્રશાંત સાસારામ સંસદીય મતવિસ્તાર હેઠળના કરગહર વિધાનસભા મતવિસ્તારમાં નોંધાયેલા છે. તેમનું મતદાન મથક રોહતાસ જિલ્લાના કોનારમાં છે. કોનાર કિશોરનું પૈતૃક ગામ પણ છે. પ્રશાંત કિશોરે આ મામલો કોઈ નિવેદન કે સ્પષ્ટતા નથી આપી. તેમની પાર્ટીના એક નેતાએ જણાવ્યું કે, બંગાળની ચૂંટણી પછી પ્રશાંત બિહારમાં મતદાર બની ગયા.
તેમણે જણાવ્યું કે, કિશોરે તેમનું બંગાળ મતદાર ઓળખપત્ર રદ કરવા માટે અરજી કરી છે. જોકે, તેમણે અરજીની વર્તમાન સ્થિતિ વિશે કોઈ માહિતી નથી આપી. બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી વિનોદ સિંહ ગુંજ્યાલે પણ આ મામલે લગતા સવાલોના જવાબ નથી આપ્યા.
કાયદો કહે છે કે, ‘કોઈ એક વ્યક્તિનું નામ બે મતદાર યાદીમાં ન આવી શકે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૦ની કલમ ૧૭ પ્રમાણે કોઈપણ વ્યક્તિને એક કરતાં વધુ મતવિસ્તારની મતદાર યાદીમાં રજિસ્ટર હોવાનો અધિકાર નથી.‘
આ સાથે જ કલમ ૧૮માં એ પણ જોડવામાં આવ્યું છે કે, કોઈપણ વ્યક્તિનું નામ એક જ મતવિસ્તારની મતદાર યાદીમાં એક કરતા વધુ વખત રજિસ્ટર ન હોય. જો આવું હોય તો મતદાર ફોર્મ ૮ ભરીને પોતાનું રજિસ્ટ્રેશન બદલી શકે છે. આ ફોર્મ ઘરનું સરનામું બદલવા અથવા ભૂલો સુધારવા માટે ચૂંટણી પંચનું ફોર્મ છે.