Last Updated on by Sampurna Samachar
ગૂગલ પર સર્ચ કરીને FASTag રિચાર્જ કરનારા માટે ચેતવણી
સાયબર ઠગો NHAIના નામે નકલી વેબસાઈટ બનાવીને લોકોના બેન્ક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નેશનલ હાઇવે પર મુસાફરી કરતા વાહન ચાલકો માટે ઇન્ટરનેટ પર એક નવું જાેખમ ઊભું થયું છે. ગૃહમંત્રાલય હેઠળ કાર્યરત એજન્સી સાયબર દોસ્ત દ્વારા સોશિયલ મીડિયા પર એક મહત્ત્વની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ માહિતી મુજબ, સાયબર ઠગો NHAI(નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ના નામે નકલી વેબસાઈટ બનાવીને લોકોના બેન્ક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે.

જ્યારે યુઝર્સ પોતાનું FASTag એકાઉન્ટ રિચાર્જ કરવા અથવા એન્યુઅલ પાસ મેળવવા માટે આવી પોર્ટલ પર જાય છે, ત્યારે તેમનું પેમેન્ટ FASTag વોલેટને બદલે સીધું સ્કેમર્સના ખાતામાં જમા થઈ જાય છે.
સાયબર એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, નકલી વેબસાઈટને ઓળખવી ખૂબ જ સરળ છે પરંતુ તેના માટે થોડી સાવધાની રાખવી જરૂરી છે.
રાજમાર્ગ યાત્રા એપનો જ ઉપયોગ કરવાની અપીલ
કોઈપણ પોર્ટલ પર પેમેન્ટ કરતા પહેલા તેની URL ખાસ ચેક કરવી જાેઈએ. નકલી વેબસાઈટમાં ઘણીવાર લો ક્વોલિટીના ફોટો, ખોટા લોગો અને સ્પેલિંગમાં સામાન્ય ફેરફાર જાેવા મળે છે. ઠગ લોકો લોકોને લલચાવવા માટે સર્ચ એન્જિન પર NHAIના નામે જાહેરાતો પણ ચલાવતા હોય છે, જેથી સામાન્ય નાગરિકો છેતરાઈ જાય છે.
જાે તમે હાઈવે પર અધવચ્ચે અટકવા ન માંગતા હોવ અને તમારા પૈસા બચાવવા માંગતા હોવ, તો હંમેશા ઓફિશિયલ સોર્સનો જ ઉપયોગ કરો. FASTag રિચાર્જ કે એન્યુઅલ પાસ માટે માત્ર NHAIના ઓફિશિયલ પોર્ટલ અથવા રાજમાર્ગ યાત્રા એપનો જ ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરીને પેમેન્ટ કરવાથી બચવું જાેઈએ, કારણ કે આવી ક્ષણિક બેદરકારી તમારા પરિવાર માટે આર્થિક મુસીબત બની શકે છે.