Last Updated on by Sampurna Samachar
વાળુકડ ગામે જાહેરમાં યુવકની કરપીણ હત્યાથી ભારે ચકચાર
મૃતક યુવકની ઓળખ રવિભાઈ અનિલભાઈ ક્લોતરા તરીકે થઈ, જે રવિ ઉર્ફે લાલો રબારી તરીકે પણ ઓળખાતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામમાં ગત ૨૮ માર્ચ એક હૃદયદ્રાવક ઘટના બની. રસ્તા વચ્ચે આડેધડ છરીના ઘા ઝીંકીને ૨૯ વર્ષીય યુવાનની કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ લોહિયાળ ખેલનો લાઈવ વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં હુમલાખોરો બેખૌફ બનીને જીવલેણ હુમલો કરતા દેખાય છે.

મૃતક યુવકની ઓળખ રવિભાઈ અનિલભાઈ ક્લોતરા તરીકે થઈ છે, જે રવિ ઉર્ફે લાલો રબારી તરીકે પણ ઓળખાતો હતો. મળતી માહિતી મુજબ, રવિ જ્યારે વાળુકડ બસ સ્ટેન્ડ પાસે જાહેર માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક એક મોપેડ પર સવાર થઈને આવેલા ત્રણ શખ્સોએ તેને આંતર્યો હતો. હુમલાખોરોએ કાંઈ પણ વિચાર્યા વગર તીક્ષ્ણ હથિયારો વડે રવિના પેટના ભાગે ઉપરાઉપરી અસંખ્ય ઘા ઝીંકવાનું શરૂ કર્યું હતું.
અલગ-અલગ ટીમો બનાવીને તપાસ તેજ કરાઈ
ઘટના સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક કારચાલકે આ સમગ્ર મંજર પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. એક સ્થાનિક રાહદારીએ હુમલાખોરોને રોકવાનો અને રવિને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઉશ્કેરાયેલા ત્રણ હુમલાખોરોએ તેને પણ ડરાવીને લોહીલુહાણ હાલતમાં રવિને રસ્તા પર જ છોડી દીધો હતો. હુમલા બાદ ત્રણેય આરોપીઓ પોતાની મોપેડ પર સવાર થઈને ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા રવિને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ વધુ પડતું લોહી વહી જવાને કારણે તેનું મોત નીપજ્યું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ પ્રેમ સંબંધ હોવાનું અનુમાન છે. જો કે, આ અંગે હજુ સત્તાવાર રીતે વધુ વિગતો બહાર આવવાની બાકી છે. વરતેજ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઘટનાની ગંભીરતાને જોતા ઘનશ્યામ ગૌતમ સહિત વરતેજ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. ગૌતમે જણાવ્યું હતું કે,વાળુકડ ગામે બનેલી આ ઘટના અંગે FIR નોંધવામાં આવી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ તેજ કરવામાં આવી છે. જાહેરમાં બનેલી આ હત્યાની ઘટનાને લઈ સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે.