Last Updated on by Sampurna Samachar
ઘરમાં રાખેલો કિંમતી સામાન પણ લઇ ગઇ દુલ્હન
બંને વચ્ચે પહેલાથી જ લફરુ હોવાનુ ગામલોકોએ જણાવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સુંદર સાળી પોતાની બનેવી પર ફિદા થઈ ગઈ. પછી તો પ્રેમ એટલો આગળ નીકળી ગયો કે, તે ભૂલી ગઈ કે તેના લગ્નને હજુ એક મહિનો પણ નથી થયો. આ મહિલાને જેની સાથે પ્રેમ થયો તે બીજું કોઈ નહીં પણ તેની બહેનનો જ પતિ હતો. બંનેએ હદ તો ત્યારે પાર કરી જ્યારે એક સાથે રહેવા માટે બંને ઘરેથી રફુચક્કર થઈ ગયા. મામલો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો તો પોલીસ પણ ચોંકી ગઈ.
સમગ્ર મામલાની વાત કરીએ તો લલિતપુર તાલુકાના તાલબેહટ વિસ્તારમાં આવતા સફરયાના ગામમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાળી બનેવીનો સંબંધ આમ તો મજાકનો હોય છે. પણ ઘણી વાર આ મજાક મર્યાદા તોડી આગળ નીકળી જતી હોય છે. આવું જ કંઈક આ કિસ્સા પણ થયું છે. લગ્નનો હજુ મહિનો પણ નથી થયો અને એક દુલ્હન પોતાના બનેવી સાથે ભાગી ગઈ. કહેવાય છે કે, ભાગતા પહેલા તેણે ઘરમાં રાખેલો કિંમતી સામાન જેમ કે દાગીના અને રોકડ રૂપિયા પણ સાથે લેતી ગઈ છે.
તાલબેહટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
પ્રાપ્ત વિગતો અનુસાર, પીડિત પરિવારે પોતાની દીકરીના લગ્ન ધૂમધામથી એક મહિના પહેલા કર્યા હતા. બધું જ બરાબર ચાલી રહ્યું છે, પણ અચાનક યુવતી ઘરમાંથી ભાગી જતાં સૌ કોઈને ચોંકાવી દીધા હતા. જ્યારે પરિવારે શોધખોળ કરી, તો જાણવા મળ્યું કે, તે સંબંધમાં પોતાના બનેવી થતાં યુવક સાથે ભાગી ગઈ છે.
આ ઘટના ૧૦ જુલાઈની રાતે બની હોવાનું કહેવાય છે. જ્યારે ઘરમાં બધા સભ્યો સૂઈ રહ્યા હતા. સવારે ઊઠીને જોયું તો દુલ્હન ઘરમાં નહોતી, આ જોઈ પરિવારમાં હડકંપ મચી ગયો. પરિવારે પહેલા તો જાતે શોધખોળ કરી, પણ જ્યારે ક્યાંય પત્તો લાગ્યો નહીં તો તેમણે તાલબેહટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી. સંબંધિત યુવકના ઘરે પણ તપાસ કરી, ત્યાં પણ મહિલા મળી નહીં. ત્યાંથી બંને ગાયબ હતા.
ગામ લોકોના જણાવ્યા અનુસાર, બંને વચ્ચે પહેલાથી જ લફરું હતું. પણ કોઈને આટલે હદે જશે તેવી આશા નહોતી. હાલમાં પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને બંનેની શોધ ચાલુ છે. આ મામલો ન ફક્ત સામાજિક પણ પારિવારિક સંબંધોની મર્યાદા પર પણ સવાલો ઊભા કરે છે.