Last Updated on by Sampurna Samachar
ગામના લોકોએ હુમલો કર્યો અને અમારું સતત શોષણ પણ કર્યું
આ મૂળ વિવાદ ૨૦૧૫માં શરૂ થયો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારના દરભંગા જિલ્લાના એક ગામમાં અજીબોગરીબ પોલીસ ફરિયાદ નોંધાયાનુ સામે આવ્યું છે. માહિતી મુજબ કુશેશ્વરસ્થાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા હરિનગર ગામમાં જમીન અને પૈસાની લેણદેણના વિવાદમાં એક વ્યક્તિએ ગામના આખા બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ મામલામાં અશર્ફી પાસવાન નામની વ્યક્તિએ અંદાજે ૭૦ બ્રાહ્મણ સામે નામજોગ અને ૧૫૦ અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવી છે. એટલે કે એક જ ઝાટકે આખા ગામના બ્રાહ્મણો સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.

આ ઘટનાની વિગતો મુજબ અશરફી પાસવાને પોલીસ ફરિયાદ કરી છે કે, આ મૂળ વિવાદ ૨૦૧૫માં શરૂ થયો હતો. મારા ભાઈ કૈલાશ પાસવાને એક મકાન બાંધકામના બાકી નીકળતા રૂ. ૨.૫ લાખ હેમંત ઝાને ચૂકવવાના થતા હતા. આ બાકી રકમની માંગણીને લઈને ૩૧ જાન્યુઆરીની રાત્રે અથડામણ થઈ હતી, જેમાં મહિલાઓ અને એક છોકરીને ગંભીર ઈજા થઈ હતી.
હાલ ગામમાં ભારે તણાવની સ્થિતિ
આ ઘટના બાદ અશર્ફી પાસવાને ૭૦ બ્રાહ્મણ સામે નામજોગ અને ૧૫૦ અજાણ્યા લોકો વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે કેસ નોંધાવ્યો છે. તેમનો આક્ષેપ છે કે આખા ગામના લોકોએ એકઠા થઈને અમારા પર હુમલો કર્યો છે અને અમારું સતત શોષણ પણ કર્યું છે.
આ મામલામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જે બ્રાહ્મણોના નામ ફરિયાદમાં છે, તેમાંથી અનેક લોકો ગામમાં છે જ નહીં. તેઓ દેશના અલગ-અલગ શહેરોમાં મજૂરી કે નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.
પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, ૩૧ જાન્યુઆરીએ થયેલી મારામારીમાં ૧૦થી વધુને ઈજા થઈ હતી. આ ઘટનામાં પોલીસે ૧૨ લોકોની અટકાયત કરી પૂછપરછ કરી છે. હાલ ગામમાં ભારે તણાવની સ્થિતિ છે, જેને જોતા સુરક્ષા પણ વધારાઈ છે. નેશનલ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન બ્યુરોએ પણ સોશિયલ મીડિયા પર આ ઘટનાની વિગતો શેર કરી છે.