Last Updated on by Sampurna Samachar
ગણપતિ વિસર્જન દરમિયાન એકનું મોત તો પાંચ ઈજાગ્રસ્ત
ઈલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવતા બની ઘટના
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈના સાકીનાકા વિસ્તારમાં ગણપતિ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. ગણપતિ વિસર્જન દરમિયાન ઈલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતુ. જ્યારે ૫ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જ્યાં ઈજાગ્રસ્તોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અહેવાલો અનુસાર, સાકીનાકા ખૈરાણી રોડ પર સ્થિત એસજે સ્ટુડિયો નજીક ટાટા પાવરનો હાઇ-ટેન્શન વાયર છે. ગણપતિ વિસર્જન દરમિયાન જ્યારે ભક્તો નાચતા અને ગાતા હતા, ત્યારે તેઓ ઈલેક્ટ્રિક વાયરને અડી જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એકનું મોત નિપજ્યું. જ્યારે અન્ય ૫ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું
વીજળીના વાયરના સંપર્કમાં આવીને મૃત્યુ પામેલા ભક્તનું નામ વિનુ છે. જ્યારે ઈજાગ્રસ્તની ઓળખ ૧૮ વર્ષીય તુષાર ગુપ્તા, ૪૪ વર્ષીય ધર્મરાજ ગુપ્તા,૧૨ વર્ષીય આરુષ ગુપ્તા, ૧૦ વર્ષીય શંભુ કામી અને ૧૪ વર્ષીય કરણ કનોજિયા તરીકે થઈ છે.
પૂણે જિલ્લાના ચાકણ વિસ્તારમાં વિસર્જન દરમિયાન ચાર લોકોના મોત થયા. વાકી ખુર્દમાં ભીમા નદીમાં બે યુવાનો ડૂબી ગયા. તેમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે. આ ઉપરાંત બિરદાવાડી ગામમાં એક વ્યક્તિ કૂવામાં ડૂબી ગઈ અને શેલપિંપાલગાંવમાં ભીમા નદીમાં ડૂબી જવાથી ૪૫ વર્ષીય વ્યક્તિનું મોત થયું. આ ઘટનાઓથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.