Last Updated on by Sampurna Samachar
મિત્ર સાથે લિવ-ઇનમાં રહેતી માતાએ બે વર્ષની દીકરીનું ઢીમ ઢાળી દીધું
૨ વર્ષીય પુત્રી યશવિતાને તોફાન કરવા બદલ વેલણ અને સાવરણીથી મારી મોતને ધાટ ઉતારી દીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જનનીની જોડ સખી નહી જડે રે લોલ…, વાત્સલ્યની મૂર્તિ એટલે મા અને આવા મા પર રચાયેલા આવા અનેક ગીતો, કહેવતોને ખોટી પાડતી અને માની મમતાને શર્મસાર કરી ગંભીર ઘટના હાલ સુરત શહેરના વરાછા વિસ્તારમાંથી સામે આવી રહી છે. જ્યાં મિત્ર સાથે લિવ-ઇન રિલેશનશિપમાં સગી જનેતાએ જ તેની માસૂમ દીકરીને તોફાન કરતા સાવરણી અને વેલણથી એ હદે માર માર્યો છે કે, બ્રેઈન હેમરેજને કારણે બાળકીનું મોત નીપજ્યું છે. ત્યારે જનેતા જ જલ્લાદ બની હોવાનો ગંભીર કિસ્સો સામે આવતા સુરતમાં હડકંપ મચ્યો છે.

ઘટનાની મળતી વિગતો અનુસાર, સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ વર્ષા સોસાયટી વિભાગ-૧માં લફીબેન પૂણાભાઈ સોલંકી નામની મહિલા છેલ્લા દોઢ મહિનાથી સંદીપ નામના યુવક સાથે મૈત્રી કરારથી રહે છે. લફીબેનના ૪ પૈકી ત્રીજા નંબરની ૨ વર્ષીય પુત્રી યશવિતા સતત તોફાન કરી રહી હતી અને માતાને હેરાન કરતી હતી. જેના કારણે ઉશ્કેરાયેલી માતાએ માનવતા ભૂલીને માસૂમ દીકરીને મોતને ધાટ ઉતારી દીધી છે.
માતાએ બાળકી પર વેલણ અને સાવરણી વડે હુમલો કર્યો
એટલું જ નહીં, તેને જોરદાર તમાચા પણ ઝીંકી દીધા હતા. આ ક્રૂર મારકૂટ એટલી હદે પહોંચી ગઈ કે માસૂમ બાળકીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તે બેભાન થઈ જમીન પર ઢળી પડી હતી. જેથી બાળકીને સારવાર માટે હોસ્પિટલે પહોંચાઈ હતી, પરંતુ તે પહેલા જ ગંભીર ઈજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું.
બાદમાં હોસ્પિટલે ખસેડતા પીએમ રિપોર્ટમાં બાળકીને માથાના ભાગે ગંભીર ઈજા થવાને કારણે બ્રેઈન હેમરેજ થતા તેનું મોત નીપજ્યું હોવાનું ખુલ્યું છે. ત્યારે ઘટનાની જાણ થતાં જ વરાછા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે અને સમગ્ર મામલે હત્યારી માતાની ધરપકડ કરી પોલીસે ધરપકડ કરી તેની અન્ય ત્રણ પુત્રીઓની પણ પૂછપરછ હાથ ધરી છે, ત્યારે મમતાને લાંછન લગાડતો આ કિસ્સો પ્રકાશમાં આવતા જ સુરતમાં અરેરાટી ફેલાઈ છે.