Last Updated on by Sampurna Samachar
અસરગ્રસ્તોને મકાન ન મળતા વિપક્ષ ભડક્યું
ચંડોળા તળાવના ભારતીય નાગરિકોને ઘર આપવા માંગ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના ચંડોળા તળાવની જગ્યામાં ગેરકાયદે કરાયેલા બાંધકામો દૂર કરાયા હતા. આ પછી મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ ૨૦૧૦ પહેલા રહેનારા અને રહેઠાણના દસ્તાવેજ ધરાવતા લોકો પાસે મકાન આપવા મામલે અરજી મંગાવી હતી. જોકે, લોકોની અરજી પર યોગ્ય નિકાલ ન આવતામણિનગર દક્ષિણ ઝોન ઓફિસ ખાતે મોટી સંખ્યામાં અરજદારો એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો.

મળતી માહિતી મુજબ, મણિનગર દક્ષિણ ઝોન ઓફિસ ખાતે વિપક્ષના નેતા સાથે ચંડોળાવાસીઓને એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો હતો. જેમાં વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા ચંડોળા ખાતે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં છેલ્લા ૫૦ વર્ષથી વધુ રહેતા ભારતીય નાગરિકોના મકાન પણ તોડી પાડવામાં આવ્યા હતા.
અમદાવાદનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધરાયુ હતું
જોકે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આવાસ યોજના હેઠળ મકાન આપવાનું નક્કી કર્યુ હતું. જેમાં લોકો પાસેથી અરજી મંગાવામાં આવતા ૨૩૦૦ જેટલા લોકોએ અરજી કરી હતી. પરંતુ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી.
વિરોધ પ્રદર્શન લોકોનું કહેવું છે કે, તંત્રએ આવાસ માટે ૩ લાખ કુલ ૧૦ હપ્તામાં ભરવાનું જણાવેલું છે. પરંતુ ગરીબ પરિવારમાંથી આવતા લોકો આર્થિક રીતે સદ્ધર ન હોવાથી મહિનાના ૩૦૦૦૦ કઈ રીતે ભરી શકે. એટલે હપ્તાની સમય મર્યાદા વધારીને કુલ ૩૬ મહિના કરવામાં આવે…
ચંડોળા તળાવ પાસે અમદાવાદનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ચંડોળા તળાવની આસપાસ આશરે ૧૨ હજાર દબાણો દૂર કરવામાં આવ્યા છે. ડિમોલિશન પહેલા ચંડોળા તળાવ મકાનો-ઝૂંપડાથી ઘેરાયેલું હતું.