Last Updated on by Sampurna Samachar
ગામના લોકોએ તળાવ શોધી આપનારાઓને ઇનામની કરી જાહેરાત
RTI દ્વારા રહસ્યમય કિસ્સો બહાર આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં એક અનોખી ઘટના બની છે. અહીં ચોરી થઈ છે, પણ સોના-ચાંદી, હીરા-મોતી કે પૈસાની નહીં પણ આખું તળાવ જ ગાયબ થઈ ગયું છે. એક RTI દ્વારા આ રહસ્યમય કિસ્સો બહાર આવ્યો છે, જેમાં જાણવા મળ્યું કે ૨૫ લાખના ખર્ચે બનેલુ તળાવ હકીકતમાં અસ્તિત્વમાં જ નથી.
આ ઘટનાથી રોષે ભરાયેલા ગ્રામજનો તળાવને શોધવા માટે પોલીસ, પ્રશાસન અને મુખ્યમંત્રી સુધી પહોંચ્યા છે, પણ હજુ સુધી તળાવનો કોઈ પત્તો મળ્યો નથી. હવે, થાકીને ગામના લોકોએ ઢોલ વગાડીને, તળાવ શોધી આપનારને ઈનામ આપવાની પણ જાહેરાત કરી છે. આ મામલાની ગંભીરતા જાેતાં કલેક્ટરે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.
કેટલાક તળાવ પણ રાતોરાત ગાયબ થઈ ગયા
આ ઘટના રીવા જિલ્લાના ચાકઘાટની છે. RTI કાર્યકર્તા લલિત મિશ્ર પાસેથી મળેલી માહિતી મુજબ, અમૃત સરોવર તળાવ ?૨૪.૯૪ લાખના ખર્ચે ૯ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ બનાવવામાં આવ્યું હતું. તે પૂર્વા મનીરામ ગામના કઠૌલી વિસ્તારમાં બનાવવામાં આવ્યું હતું, જે સરકારી દસ્તાવેજોમાં જમીન નંબર ૧૧૭ પર નોંધાયેલ છે. પૂર્વા મનીરામ ધીરેન્દ્ર તિવારી, જે હાલમાં સરપંચ છે, તે ભાજપના રાયપુર મંડળના ઉપાધ્યક્ષ પણ છે.
પણ હકીકતમાં, તે જગ્યાએ કોઈ તળાવ બનાવવામાં જ નથી આવ્યું. ગામના સરપંચે ફક્ત એક નાળા પર નાનો બંધ બાંધીને પોતાની ખાનગી જમીન (જમીન નંબર ૧૨૨) પર પાણી ભેગું કર્યું અને તેને તળાવ જેવું બતાવીને ?૨૪.૯૪ લાખની સરકારી રકમ ઉપાડી લીધી. આની ફરિયાદ થતાં, રીવા જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યપાલક અધિકારીએ એક અઠવાડિયાની અંદર સરપંચ પાસેથી આખી રકમ પાછી વસૂલવાના આદેશ આપ્યા. પરંતુ સરપંચે સરકારને ગેરમાર્ગે દોરવા માટે પોતાની ખાનગી જમીનનો એક નાનો ટુકડો સરકારને દાનમાં આપી દીધો.
ચાકઘાટના પોલીસ ઈન્સ્પેક્ટર ઘનશ્યામ તિવારીએ જણાવ્યું કે અમને તળાવ ચોરીની ફરિયાદ મળી છે અને આ એક ગેરરીતિનો મામલો છે. કલેક્ટર પ્રતિભા પાલે આ મામલે તપાસ કરીને કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
આ ઉપરાંત, વિસ્તારના બીજા કેટલાક તળાવ પણ રાતોરાત ગાયબ થઈ ગયા છે. ગામના લોકો કહે છે કે તેઓ તળાવની શોધ ચાલુ રાખી રહ્યા છે અને ઈનામની જાહેરાત કરીને પણ મદદ માંગી રહ્યા છે. પોલીસ અને વહીવટીતંત્ર તપાસ કરી રહ્યા છે, પણ તળાવનો કોઈ પતો લાગતો નથી.