Last Updated on by Sampurna Samachar
આધેડ વયના શખ્સે ૧૨ વર્ષની સગીરાની માસૂમિયતને પીંખી નાખી
આરોપી વિરૂદ્ધ પોક્સો એક્ટ અને દુષ્કર્મનો ગુનો નોંધાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં કરિયાણાની દુકાન ચલાવતા એક આધેડ વયના શખ્સે ૧૨ વર્ષની સગીરાની માસૂમિયતને પીંખી નાખી હતી. આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે, બોટાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ નરાધમ આરોપીને દબોચી લઈને કાયદાનું ભાન કરાવ્યું છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, ભોગ બનનાર ૧૨ વર્ષીય સગીરા ગામમાં જ આવેલી જેરામ ઈશ્વર ભાલાળાની કરિયાણાની દુકાને ઘરનો સામાન લેવા માટે ગઈ હતી. માસૂમ બાળકીને એકલી જોઈને આરોપી જેરામની દાનત બગડી હતી. તેણે સગીરાને બળજબરીથી પકડી લીધી હતી અને દુકાનની બાજુમાં જ આવેલા પોતાના ઘરે લઈ ગયો હતો, જ્યાં તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.
આરોપીને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલ્યો
આ બનાવની જાણ થતા જ સગીરાના પરિવારે હિંમત દાખવી પાળીયાદ પોલીસ મથકે જેરામ ભાલાળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કેસની ગંભીરતાને જોતા બોટાદના DySP મનીષા દેસાઈ એ તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી જેરામ ઈશ્વર ભાલાળાને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. હાલમાં પોલીસે આરોપી વિરૂદ્ધ પોક્સો એક્ટ અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સગીરાઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.